પરિવાર પ્રત્યેનો પ્રેમ, ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક એકતાના મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તેવા ઉમદા આશય સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી દ્વારા ધાર્મિક ગુજરાતી ફિલ્મ 'કાનો'નું નિઃશુલ્ક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પછાત વિસ્તારના વડીલો, માતા-બહેનો, યુવાનો અને બાળકોએ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંસ્કારસભર સાંજનો અનુભવ કર્યો હતો.
ફિલ્મ પ્રદર્શન દરમિયાન ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ અને પારિવારિક આત્મીયતાથી ભરેલો માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત પરિવારોએ સાથે મળીને ફિલ્મનો આનંદ માણ્યો હતો.
આ આયોજનનો હેતુ માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનો નહોતો, પરંતુ બદલાતી જીવનશૈલી વચ્ચે ધીમે ધીમે ઓસરતી પારિવારિક આત્મીયતા, ધાર્મિક સંસ્કાર અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોનો મોટો સમય મોબાઇલ તથા અન્ય ડિજિટલ મનોરંજનમાં પસાર થાય છે, ત્યારે પરિવાર સાથે બેસીને મૂલ્યલક્ષી અને ધાર્મિક ફિલ્મ નિહાળવાનો અનુભવ નવી પેઢીને પરિવાર, વડીલો, સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું માધ્યમ બની શકે છે.
'કાનો' જેવી ગુજરાતી ધાર્મિક ફિલ્મો દ્વારા ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા સંદેશને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આવા કાર્યક્રમો બાળકો અને યુવાનોમાં વડીલો પ્રત્યે આદર, પરિવાર પ્રત્યેની જવાબદારી, કરુણા, ધાર્મિક શ્રદ્ધા તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનું માધ્યમ બની શકે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉપસ્થિત નાગરિકો માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

