Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાલ આંખ કરીને અલગ અલગ વિભાગોમાં ટ્રેપ હાથ ધરવામાં આવી છે.તેમાં વધુ એક સફળતા મળી છે. મોરબીના મત્સ્યઉદ્યોગ વિભાગમાં વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવતા અને બોટાદનો વધારાનો ઇન્ચાર્જ હવાલો સંભાળતા ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીને એસીબીની ટીમે રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
આ ઘટનાની વિગતો અનુસાર,ચાલુ વર્ષના મત્સ્યઉદ્યોગ વિભાગના ટેન્ડર સંબંધિત કામગીરીમાં વર્ક ઓર્ડર આપવા અને રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત કરવા બદલ અધિકારી ખોડાભાઈ રામાણીએ રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી.જોકે, અરજદાર સાથેની રકઝક બાદ આ સોદો રૂ.50 હજારમાં નક્કી થયો હતો.પરંતુ લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરિકે આ અંગે ભાવનગર એસીબીનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી.રાજકોટના કસ્તુરબા રોડ પર આવેલી એસબીઆઈ (SBI) બેંક નજીક આરોપી અધિકારી રૂ. 50 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા.ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રકમ સાથે ઝડપી લીધા હતા.આ અંગે એસીબીએ આરોપી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

