saddlebrown-wolverine-498669.hostingersite.com-દેવભૂમિ દ્વારકા:
આગામી દિવાળી, નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શનિવારથી મંગળવાર સુધી વિવિધ પ્રકારના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રાધામ દ્વારકા ખાતે આગામી શનિવાર તા. 7 થી શરૂ થતી દીપોત્સવી ઉજવણીની શ્રૃંખલાને અનુલક્ષીને કરવામાં આવેલા ફેરફારના શનિવારે ધનતેરસ નિમિત્તે શ્રીજીના દર્શન રાબેતા મુજબના સમયે થશે.
જ્યારે રવિવાર તા. 8 ના રોજ રૂપ ચતુર્દશી અને દિવાળી નિમિત્તે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી, સવારે 7 થી 8 વાગ્યા સુધી સ્નાન બંધ અને અન્ય દર્શન નિત્યક્રમ બાદ બપોરે 1 વાગ્યે અનોસર (દર્શન બંધ) થશે. રવિવારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન અને રાત્રે 8:15 વાગ્યે હાટડી દર્શન બાદ રાત્રે 9:45 વાગ્યે શયનના દર્શન થશે.
સોમવાર તા. 9 ના રોજ અન્નકૂટ ઉત્સવ - ગોવર્ધન પૂજામાં સવારે 6 વાગ્યે મંગળા આરતી, અને 11:30 વાગ્યે ગોવર્ધન પૂજા બાદ બપોરે 1 વાગ્યે અનોસર (દર્શન બંધ) રહેશે. સાંજે 5 થી 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન અને 9:45 વાગ્યે શયનના દર્શન થશે. મંગળવાર તા. 10 ના રોજ નુતન વર્ષ નિમિત્તે સવારે 7 વાગ્યે મંગળા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ થશે. આ જ રીતે બુધવાર તા. 11 ના રોજ ભાઈબીજથી તમામ દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમ મંદિરના વહીવટદારની એક યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉપરોક્ત દર્શનનો લાભ શ્રી દ્વારકાધીશ મંદિરના ઓફિસિયલ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ થઈ શકશે.

