Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા જવાનો અને તેમના પરિવારોના સન્માનમાં મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. સરકારે 'ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964'માં સુધારો કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને 'પંચાયત કર'માંથી મુક્તિ આપવાની જોગવાઈ કરી છે.
આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને લાગુ પડશે.
આ નિર્ણય જવાનો અને તેમના પરિવારોને સીધી આર્થિક રાહત આપવાની સાથે તેમના રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે રાજ્ય સરકારના સન્માનની ભાવનાને પણ વ્યક્ત કરે છે. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પોતાના ઘર પર પંચાયત કરનો બોજ હળવો કરવો એ સૈનિક કલ્યાણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. કરમુક્તિનો લાભ માત્ર પોતાના રહેણાંક ઉપયોગ માટેના એક મકાન પૂરતો રાખવામાં આવ્યો છે. આમ, નિયમમાં કરાયેલી જોગવાઈનો સીધો હેતુ સૈનિકો અને તેમના પરિવારોના રહેણાંક મકાનને રાહત આપવાનો છે.
વાંધા-સૂચનો બાદ નિયમોમાં સુધારો
આ નિર્ણય લેતા પહેલાં રાજ્ય સરકારે નિયમોમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા. ડિસેમ્બર 2025માં ગુજરાત સરકારના અસાધારણ ગૅઝેટમાં ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ કરીને સંબંધિત વ્યક્તિઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા વાંધા અને સૂચનો પર વિચારણા કર્યા બાદ સરકારે અંતિમ સુધારા નિયમો જાહેર કર્યા છે.
ગૅઝેટમાં પ્રકાશનથી અમલ
ગુજરાત પંચાયતો અધિનિયમ, 1993 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે Gujarat Gram and Nagar Panchayats Taxes and Fees (Amendment) Rules, 2026 જાહેર કર્યા છે. આ સુધારા નિયમો સત્તાવાર ગૅઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી અમલમાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય સૈનિક કલ્યાણની દિશામાં એક નોંધપાત્ર પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. સરહદ પર દેશની રક્ષા કરનાર જવાનો, દેશ માટે બલિદાન આપનાર શહીદોના પરિવારો અને ભૂતપૂર્વ સૈનિકોના સન્માનમાં પોતાના રહેણાંક મકાનને પંચાયત કરમાંથી મુક્તિ આપીને રાજ્ય સરકારે "દેશની રક્ષા કરનારના પરિવારની જવાબદારી પણ અમારી" એવી ભાવનાનો મજબૂત સંદેશ આપ્યો છે.(file image)

