Mysamachar.in-જામનગર:
જામનગરમાં એક મહિલાએ એક વકીલ સામે પોતાનો હાથ પકડીને શારીરિક સબંધની માંગણી કર્યા બાદ ઘરમાં રહેલી ૧૩ વર્ષની પુત્રી સાથે અડપલા કર્યા સબબના આરોપની પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે એ ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરમાં વસવાટ કરતા એક મહિલાએ વકીલાતની પ્રેક્ટીસ કરતા મીતુલ દીનેશભાઈ હરવરા સામે તા.૩૦ મીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.ર૯ ની બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મિતુલભાઈએ ફરિયાદી મહિલાના ઘરે જઈ ફરિયાદીનો હાથ પકડી અશોભનીય સ્પર્શ કરી શારીરિક સંબંધની માંગણી કરી હતી.
તે સમયે ફરિયાદીની તેર વર્ષની સગીર બાળકી આવી જતાં આરોપીએ તેનો હાથ પકડી શરીરે અડપલાં કર્યા હતા અને શારીરિક સંબંધની માંગણી કરી હતી. ફરિયાદી મહિલાએ આવા કૃત્યનો વિરોધ કરતાં વકીલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તેણીએ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સીટી એ ડિવીઝન પોલીસે બીએનએસની કલમ ૭૪, ૭૫ (૨) તથા પોક્સોની ૮ અને ૧૨ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

