Dailyhunt
કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ

કલ્યાણપુરમાં પત્નીની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ

My Samachar 6 days ago

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી. આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી પતિ દેસુર સુવાએ ઘાતક હથિયારો વડે પોતાના પત્ની ઉપર હુમલો કરી, માથાના તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘટના બાદ આરોપીએ પોતે પણ દવા પી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે આરોપીના પરિવારજન દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે અન્વયે પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, મેડિકલ ઓફિસર, આઈ.ઓ. તથા અન્ય સાહેદોની જુબાની તેમજ જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાનમાં રાખી, અદાલતે આરોપી દેસુર જેસાભાઈ સુવાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૂ. 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: My Samachar Gujarati