Sunday, 13 Nov, 10.55 am MyTemple

હોમ
મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત

- મેહા પંચાલ

આઈ શ્રી "મોગલ માઁ" નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે "મોગલધામ" તરીકે ઓળખાય છે.

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા

નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ ||

ભાવનગરના 'તળાજા' તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં "આઈ મોગલ" બેઠી છે. આ ગામ જ્યાં 'આઈ મોગલ' હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા 'માઁ મોગલનું' ધામ. માત્ર ગઢવી, ચારણ કે આહીર જ નહિ, તમામ જ્ઞાતિના લોકો 'માઁ મોગલ' ના દરબારમાં આવે છે. માઁ પાસે માનતા માંગે છે અને માઁ તેમની દરેક માનતા પૂરી કરે છે. અહીં આવી ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે.

એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા 'આઈ' ના નયનો. 'આઈ મોગલનું' આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે.

"માઁ મોગલ" પારંપરિક પૂજા- અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને 'લાપસી' નો પ્રસાદ ચઢાવે છે. અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે, 'માઁ મોગલ' ને લાપસી અતિપ્રિય છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં 'અન્નક્ષેત્રની' સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને "તરવેડાનો "(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે "તરવેડા" માનતા હોય છે. 'તરવેડો' એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. એવું પણ કહેવાય છે કે ભગુડા ગામમાં ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી કારણ કે, અહીં માતા મોગલનો પાવન પ્રતાપ છે. દર મંગળવારે અને રવિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીએ 'માઁ' ને રીઝવવા ભક્તોની ભીડ વધારે હોય છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: MyTemple Gujarati
Top