Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદના રેશનાલિસ્ટની બાગેશ્વર ધામના બાબાને ચેલેન્જ : ધીરેન્દ્ર શાસ્ત્રી ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપીશ

અમદાવાદના રેશનાલિસ્ટની બાગેશ્વર ધામના બાબાને ચેલેન્જ : ધીરેન્દ્ર શાસ્ત્રી ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપીશ

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાત આવતા પહેલા જ વિવાદમાં સપડાયા છે. રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા દ્વારા સોશ્યલ મીડિયા પર અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે તેવી પોસ્ટ મુક્ત વિવાદ શરૂ થયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચા કાઢવાને અને દિવ્ય દરબારમાં લોકોની સમસ્યાઓના પ્રશ્નો અંગે વિવાદ સર્જાય જ છે.

આ વખતે વિજ્ઞાન જાથાએ પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની ચીમકી આપી હતી. ત્યારે બીજી તરફ, અન્ય એક શખ્સે ધીરેન્દ્ર બાબા ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપવાની જાહેરાત કરી છે. કોણ છે આ જાહેરાત કરનાર જુઓ અહેવાલમાં.

બાબા ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપવાની જાહેરાત
ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર આગામી 5 થી 7 જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવવા જઈ રહ્યો છે. જે કાર્યક્રમને લઈને રાજકોટ શહેર ખાતે તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હવે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારને લઈ સોશિયલ મીડિયામાં ગરમાવો જોવા મળ્યો છે. વિદેશથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપવામાં આવી છે. બાબા ગરમ સળિયો પકડે તો 101 ડોલર આપવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદના રેશનાલીસ્ટ પિયુષ જાદુગર દ્વારા પણ ચેલેન્જ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, ચમત્કાર કરો અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનનું ઈનામ જીતો. પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઈનામ જીતવાની ચેલેન્જ આપવામાં આવી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં બાબા ચમત્કારથી કેન્સર મટાડવાની વાતો કરે છે - પરસોત્તમ પીપળીયા
આ તમામની વચ્ચે જાણીતા એડવોકેટ તેમજ સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. પરસોતમ પીપળીયા દ્વારા પોતાના facebook પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે. જે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, 'આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે.' મીડિયા સાથેની વાતચીતમાં સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. સરકારે પણ અંધશ્રદ્ધા ફેલાવનારા વ્યક્તિને કાર્યક્રમ કરતા અટકાવવા જોઈએ. આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ જઈ રહ્યા છીએ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં બાબા ચમત્કારથી કેન્સર મટાડવાની વાતો કરી રહ્યા છે તે બાબતનો વિરોધ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 માં રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર યોજાયો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રી પરચા કાઢવા અને દિવ્ય શક્તિના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે - વિજ્ઞાન જાથા
જોકે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ વિવાદ શરૂ થયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં જાય ત્યાં વિવાદ થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પરચા કાઢવા અને દિવ્ય શક્તિના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે. અમે દિવ્ય દરબારમાં જશું અને સુત્રોચ્ચાર કરી પ્રશ્નો પૂછવાના છીએ. આ બાબા પાસે કોઈ શક્તિ નથી. લોકોને મૂર્ખ બનાવે છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાગુ છે કોઈ ધતિંગ કરશે તો અમે પોલીસ ફરિયાદ નોંધાવશું. પ્રધાનમંત્રીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ વચ્ચે કથાના નામે આયોજકો અનેક વાહનોમાં લોકો આવશે અને પેટ્રોલ ડિઝલનો વ્યય કરશે. જ્યારે સનાતન ધર્મ રક્ષક સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલો ઉઠાવ્યા અને કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પાછળ ગુજરાતી સમાજ ગાંડોતુર થયો છે. સનાતનની આડમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વૈજ્ઞાનિક ખેલ કરે છે. જુદા જુદા ખેલ કરી લોકોને આકર્ષવા અંધશ્રદ્ધા ફેલાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat