Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી

કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી

સુરતની કતારગામ ઝોન ઓફિસ આજે અખાડામાં ફેરવાઈ ગઈ હતી. ઓફિસ પરિસરમાં જ એક ઉચ્ચ અધિકારી અને કર્મચારી વચ્ચે કોઈ સામાન્ય બાબતે નહીં, પરંતુ વસ્તી ગણતરીની કામગીરી મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વણસ્યો હતો કે બંને વચ્ચે છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ઓફિસમાં શરૂ થયેલો ઝઘડો પાર્કિંગ સુધી પહોંચ્યો મળતી માહિતી મુજબ, કતારગામ ઝોન ઓફિસની અંદર વસ્તી ગણતરીની કામગીરીની વહેંચણી અથવા તેના ડેટા બાબતે અધિકારી અને કર્મચારી સામસામે આવી ગયા હતા. ઓફિસની અંદર જ બંને વચ્ચે ઉગ્ર શબ્દયુદ્ધ શરૂ થયું હતું. વાત આટલેથી ન અટકતાં, બંને ઝઘડતાં-ઝઘડતાં ઝોન ઓફિસના પાર્કિંગ એરિયામાં આવી પહોંચ્યા હતા. પાર્કિંગમાં જાહેરમાં જ બંને વચ્ચે લાતો અને મુક્કાબાજી શરૂ થઈ ગઈ હતી. સિક્યોરિટી ગાર્ડ અને અન્ય સ્ટાફ કંઈ સમજે તે પહેલાં જ મામલો બિચક્યો હતો.

પટ્ટા કાઢીને રસ્તા પર જ ફટકાર્યાની હકીકત સામે આવી આ શરમજનક ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઉશ્કેરાયેલા અધિકારીએ પોતાનો પટ્ટો કાઢી લીધો હતો. પાર્કિંગમાં હાજર પ્રજાજનોની નજર સામે જ એકબીજાને પટ્ટા વડે બેરહેમીથી ફટકારવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે. સરકારી ઓફિસના કમ્પાઉન્ડમાં શિસ્તના લીરેલીરા ઉડાડતો આ નજારો જોઈને ત્યાં હાજર અરજદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈ સ્થાનિક નાગરિકે આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામા પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જેમના શિરે આખા ઝોનની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તેવા જવાબદાર અધિકારીઓ જ જ્યારે રસ્તા પર પટ્ટાબાજી પર ઉતરી આવે, ત્યારે સામાન્ય જનતામાં મનપાની છબી કેવી ખરડાય તેનો આ જીવતો જાગતો પુરાવો છે.

મનપાના ઉચ્ચ અધિકારીઓ અને સિસ્ટમ સામે સવાલો આ વીડિયો વાયરલ થતાં જ કતારગામ ઝોન સહિત સુરત મનપાના ઉચ્ચ વર્તુળોમાં સોપો પડી ગયો છે. ઓફિસની અંદર અને જાહેર પાર્કિંગમાં આ પ્રકારે સરકારી કર્મચારીઓ શિસ્ત ભંગ કરે તે અત્યંત ગંભીર બાબત છે. હાલમાં આ વીડિયો ટોક-ઓફ-ધ-ટાઉન બન્યો છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું મનપાના કર્મચારીઓ પર ઉચ્ચ અધિકારીઓનો કોઈ અંકુશ નથી?

તપાસના આદેશ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સામાન્ય વસ્તી ગણતરી જેવા કામમાં જો આવી કક્ષાની મારામારી થતી હોય, તો આંતરિક વહીવટ કેટલો કથળેલો હશે પબ્લિક પ્લેસમાં મનપાની આબરૂના ધજાગરા ઉડાવનારા આ બંને નમૂનાઓ સામે કમિશનર કડક પગલાં લેશે કે પછી મામલો થાળે પાડી દેવાશે? આ મામલે હવે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat