Dailyhunt
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો

Umreth by Election: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ભવ્ય વિજય મેળવ્યો છે. જોકે, બીજી તરફ પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર માટે EVM સામે સવાલો ઉઠાવ્યા છે.

ભાજપની 30,000 મતોથી જીત

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 30,000થી વધુ મતોના જંગી માર્જિનથી વિજય મેળવ્યો છે.

પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

હાર બાદ કોંગ્રેસના આક્ષેપ

કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVMમાં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.

ચૂંટણી જંગની વિગતો

23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી.

ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ નોંધાયેલા મતદારો માટે તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે આ પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી હતી.

પિતાના અવસાન બાદ પુત્રને મળી ટિકિટ

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને ગોવિંદ પરમારના વારસાને આગળ ધપાવવા તેમના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Nation Gujarat