Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડાકણ હોવાના વહેમમાં નિર્દોષનો જીવ લીધો, સાબરકાંઠામાં અંધશ્રદ્ધાનો કાળો ખેલ

ડાકણ હોવાના વહેમમાં નિર્દોષનો જીવ લીધો, સાબરકાંઠામાં અંધશ્રદ્ધાનો કાળો ખેલ

Navajivan 1 week ago

વજીવન ન્યૂઝ. હિંમતનગર: સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી અને શરમજનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. એક તરફ દેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડાકણ હોવાના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. વિજયનગરના ગાડી વાકડા ગામમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ગામમાં રહેતા કમળાબેન અંગે કેટલાક લોકોમાં ડાકણ હોવાની શંકા અને અંધશ્રદ્ધા ફેલાઈ હતી. આ વહેમના આધારે ગામના જ કેટલાક લોકો ટોળું બનાવી કમળાબેનના ઘર સુધી પહોંચી ગયા હતા. ટોળાએ ઘરની બહાર પથ્થરમારો કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો અને પરિવારને નિશાન બનાવ્યો હતો. આ દરમિયાન મનુ રામજી ડામોર નામના વ્યક્તિ કમળાબેન અને તેમના પરિવારને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. જોકે હુમલાખોર ટોળાએ મનુ ડામોર પર તીક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મનુ ડામોરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં પરિવારના અન્ય બે સભ્યો પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના માત્ર એક હત્યાની ઘટના નથી પરંતુ અંધશ્રદ્ધાના કારણે સમાજ ક્યાં સુધી પહોંચી શકે છે તેનું ભયાનક ઉદાહરણ પણ છે. ખાસ કરીને વનવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને જાગૃતિના અભાવને કારણે હજુ પણ આવા વહેમો જીવલેણ સ્વરૂપ ધારણ કરતા હોવાનું આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કર્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

એક તરફ દેશ ચંદ્રયાન, ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક વિકાસની વાત કરે છે તો બીજી તરફ આવી ઘટનાઓ દર્શાવે છે કે સમાજના કેટલાક ખૂણાઓમાં હજુ પણ અંધશ્રદ્ધાનું ઝેર ઊંડે સુધી ફેલાયેલું છે. કાયદો પોતાનું કામ કરશે અને આરોપીઓને સજા પણ મળશે, પરંતુ મનુ રામજી ડામોરનો જીવ પાછો આવવાનો નથી. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે માત્ર કાયદો નહીં, પરંતુ શિક્ષણ, જાગૃતિ અને વૈજ્ઞાનિક અભિગમને સમાજના છેવાડાના ગામ સુધી પહોંચાડવાની જરૂરિયાત આજે પહેલાં કરતાં વધુ ઊભી થઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navajivan Gujarati