મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આખરે એ ઘડી આવી ગઈ છે, જેની રાહ આપણી ગટરના ઉભરાતા પાણી, રસ્તાના ખાડાઓ અને લાઈટ વગરના થાંભલાઓ વર્ષોથી જોઈ રહ્યા હતા. પંચે જેવી તારીખ જાહેર કરી, ત્યાં તો આખા રાજ્યમાં એવો માહોલ જામ્યો છે કે જાણે ઓલિમ્પિકમાં 'વોટ માંગવાની' સ્પર્ધામાં ગુજરાત ગોલ્ડ મેડલ જીતવાની તૈયારી કરી રહ્યું હોય!
આ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે, જ્યાં સામાન્ય માણસને (પાંચ મિનિટ માટે) 'રાજા' હોવાનો ભ્રમ કરાવવામાં આવે છે અને નેતાજી પાંચ વર્ષ માટે 'મહારાજા' બનવાના સોગંદ ખાય છે.
ચૂંટણીની તારીખો જાહેર થયાના સમાચાર સાંભળીને મને એક સ્વપ્ન આવ્યું, જેમાં મેં એક ફિલ્મ જોઈ કે, હવે શું થશે? તો ચાલો, આ 'મહામુકાબલા'ની એ ફિલ્મને આપણા માનસપટલ પર જરા 'ઝૂમ' કરીને સાથે જોઈએ.
ટિકિટની ખેંચતાણ
જેવી ચૂંટણીની ગંધ આવે, એટલે રાજકીય પક્ષોની ઓફિસોમાં એવી દોડધામ મચે કે જંગલના હરણ પણ શરમાઈ જાય. આ એ સમય છે જ્યારે 'ભાઈ-ચારો' સમાપ્ત થઈ જાય છે અને 'ભાઈ-મારો' શરૂ થાય છે. જે પક્ષના કાર્યકરો ગઈકાલ સુધી એકબીજાના ડબ્બામાંથી લસણની ચટણી અને રોટલા ખાતા હતા, એ જ આજે એકબીજાના બાયોડેટામાં કાણાં પાડતા જોવા મળે છે.
આ વખતે બાયોડેટા એટલે કે સીવી (CV) બનાવવાની સ્પર્ધા જામી છે. એક ભાઈએ તો બાયોડેટામાં લખ્યું છે: "સાહેબ, મેં કોરોના કાળમાં રસ્તા પરના રખડતા કૂતરાઓને ત્રણ વાર સેનિટાઈઝ કર્યા હતા!" બીજા એક ઉમેદવારે પોતાની સિદ્ધિ બતાવતા લખ્યું: "વોટ્સએપના પાંચ ફેમિલી ગ્રુપમાં વિરોધ પક્ષની પોસ્ટ કરનાર તમામ કાકા-મામાઓને મેં એકલા હાથે બ્લોક કર્યા છે. આનાથી મોટી દેશભક્તિ બીજી કઈ હોઈ શકે?"
પાર્ટીના 'નિરીક્ષકો' જ્યારે ઉમેદવારની પસંદગી કરવા આવે, ત્યારે સીન જોવા જેવો હોય છે. ઉમેદવાર પોતાની સાથે ૨૦૦ ગાડીઓનો કાફલો લાવે (જેમાંથી અડધી તો ભાડે લાવેલી રિક્ષા અને ઈકો હોય!). નિરીક્ષક પૂછે, "તમારો જનાધાર કેટલો?" એટલે ઉમેદવાર પેન્શન પર જીવતા ચાર વૃદ્ધો અને રજા પર ઉતરેલા બે કોલેજિયનને આગળ ધરે અને કહે, "આ આખી સોસાયટી મારા ઈશારે નાચે છે!" (ભલે સોસાયટીવાળાએ એના ઘરે કચરાના ડબ્બા બાબતે ત્રણ વાર પોલીસ બોલાવી હોય!)
શિસ્તના નામે…
પાર્ટી મીટિંગોમાં 'શિસ્ત' શબ્દનો અર્થ જ બદલાઈ જાય છે. જો તમને મીટિંગના હોલમાંથી ચાના કપ ઉડતા દેખાય કે પ્લાસ્ટિકની ખુરશીઓ હવામાં લહેરાતી જોવા મળે, તો સમજી લેવું કે ઉમેદવારોની પસંદગીની લોકશાહી પ્રક્રિયા શાંતિપૂર્ણ' રીતે ચાલી રહી છે.
જે કાર્યકરને ટિકિટ નથી મળતી, એ અચાનક તત્ત્વજ્ઞાની બની જાય છે. એ જાહેરમાં બોલશે, "મને પદની ભૂખ નથી, હું તો જનતાનો સેવક છું." પણ ખાનગીમાં એ પેલા ટિકિટ મેળવનારાના વિજય સરઘસના રસ્તામાં કેળાની છાલ પાથરવાની અને એના સ્કૂટરની ટ્યૂબમાં ટાંકણી ખોસવાની અંડરગ્રાઉન્ડ યોજના બનાવતો હોય છે. જેને વર્ષોથી 'બાપુ' કે 'ભાઈ' કહેતા હતા, એ જ રાતોરાત 'પક્ષના ગદ્દાર' અને 'ભ્રષ્ટાચારી' બની જાય છે.
'દરજી'ની દિવાળી
ટિકિટ મળ્યાની ૧૦ મિનિટમાં સૌથી પહેલો ફોન 'દરજી'ને જાય છે. "ચંપકભાઈ! આઠ જોડી સફેદ લેંઘા-ઝભ્ભા સવાર સુધીમાં રેડી જોઈએ. ખિસ્સાં જરા મોટા રાખજો, કારણ કે જનતાના વચનો અને… બીજું ઘણું બધું એમાં સાચવવાનું છે!" દરજીને તો જાણે દિવાળી!
આખું ગુજરાત અત્યારે સફેદમય બની ગયું છે. રસ્તા પર નીકળો તો એમ જ લાગે કે કાં તો આખું શહેર લગ્નમાં જઈ રહ્યું છે, અથવા દૂધની ડેરીમાં મોટી ભરતી આવી છે. આ ઝભ્ભાની ઈસ્ત્રી એવી કડક હોય છે કે જો નેતાજી ભૂલેચૂકે નમી જાય, તો ઝભ્ભો ફાટી જાય પણ ઈસ્ત્રી ન ભાંગે!
સત્યવાદી સોગંદનામું
ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જે સોગંદનામું રજૂ થાય છે, એ વાંચીને તો ખુદ યમરાજ પણ કન્ફ્યુઝ થઈ જાય.
ગુનાહિત ઇતિહાસ: જેની સામે આખા પોલીસ સ્ટેશનની ડાયરી ભરાઈ ગઈ હોય, એ ફોર્મમાં લખશે: "માત્ર સામાજિક આંદોલનના કારણે બે-પાંચ કેસો છે." (હકીકતમાં એ કેસો પાડોશીની ભેંસ ચોરવા માટેના પણ હોઈ શકે!)
મિલકત: જે નેતાના બંગલા પર ત્રણ મર્સિડીઝ પડી હોય, એ સોગંદનામામાં લખશે કે મારી પાસે માત્ર 'એક સેકન્ડ હેન્ડ સાયકલ અને ૫૦૦ ગ્રામ ચાંદી' છે. જે જોઈને મતદારોને એમ થાય કે આના કરતા તો આપણી પાસે ગૂગલ-પેમાં બેલેન્સ વધુ છે!
સોશિયલ મીડિયાના સર્વર જામ
સોશિયલ મીડિયા પર અત્યારે નેતાજીના એવા ફોટા આવશે કે ફેસબુકના સર્વર પણ જામ થઈ જાય!
• કચરો અને કેમેરા: નેતાજી રસ્તા પર કચરો ઉપાડતા હશે. કચરો માંડ ૨૦૦ ગ્રામ હશે, પણ એના ફોટા પાડવા માટે ૫૦૦ કિલોના કેમેરા અને ડ્રોન વપરાશે. ફોટો પડ્યા પછી નેતાજી એ જ સાવરણી એમના પી.એ.ને પકડાવીને કહેશે, "ચલ, જલ્દી સેનિટાઈઝર આપ, આ તો વોટ માટે ગંદકી અડવી પડી!"
• બાજરીનો રોટલો અને સેલ્ફી: નેતાજી અચાનક કોઈ ગરીબ મજૂરના ઘરે જશે. ત્યાં જમીન પર બેસીને બાજરીનો રોટલો ખાશે. ફોટામાં એવું લાગશે કે નેતાજીને રોટલો બહુ ભાવે છે, પણ વાસ્તવમાં નેતાજી મનમાં ગણગણતા હોય, "આ રોટલો છે કે સિમેન્ટનો પથ્થર? કાલે મારે ડેન્ટિસ્ટ પાસે જવું પડશે!"
• પગમાં પડવાની પ્રેક્ટિસ: અત્યારે નેતાજી એટલા નમ્ર બની જાય છે કે રસ્તા પર જતું કૂતરું પણ જો પૂંછડી પટપટાવે, તો એને પણ 'પ્રણામ' કરી લે. વૃદ્ધોના પગ તો એ એવી રીતે પકડે છે કે દાદાને એમ થાય કે આ મારો દીકરો છે કે મારા ગોઠણ ચેક કરવા આવેલો ડોક્ટર?
'મંગળ ગ્રહ પર મહાપાલિકા'
ચૂંટણીનો ઢંઢેરો એટલે કાલ્પનિક વાર્તાઓનું એવું લિસ્ટ, જેની સામે હેરી પોર્ટરની વાર્તાઓ પણ ફિક્કી લાગે. આ વખતે નેતાજી દ્વારા કદાચ મંગળ ગ્રહ પર મહાપાલિકા બનાવવાનું વચન મળે તો પણ નવાઈ નહીં. આ વખતે બીજા વચનો કેવા હોઈ શકે?
ફ્રી વાઈફાઈ: એટલું સ્પીડમાં વાઈફાઈ આપીશું કે તમે ડાઉનલોડ બટન દબાવો એ પહેલા મુવી તમારા મગજમાં લોડ થઈ જશે!
ગટરમાં પરફ્યૂમ: હવે ગટરમાં આપણે નિયમિત પરફ્યૂમ છંટાવીશું, પરફ્યૂમના કનેક્શન આપીશું. જેથી તમને દુર્ગંધ ન આવે!
સ્માર્ટ ખાડા: રસ્તા પરના ખાડાઓમાં આપણે એરબેગ મૂકાવી દઈશું, જેથી તમારી ગાડીને કે તમને નુકસાન ન થાય!
વેરા માફી: જો તમે અમને જીતાડશો, તો કોર્પોરેશન તમારા ઘરે આવીને દર મહિને આટલા (ખાલી હાથ બતાવતા) રૂપિયા 'જીતવા બદલ' રોકડા આપી જશે!
'ગલી ક્રિકેટ-પોલિટિક્સ'
સોસાયટીના ગ્રાઉન્ડમાં જે છોકરાઓ રમતા હોય, ત્યાં નેતાજી અચાનક બેટ પકડીને પહોંચી જશે. પહેલો જ બોલ વાગશે એટલે નેતાજી આઉટ થશે, પણ અમ્પાયર (જે નેતાનો જ માણસ હશે) કહેશે, "નો બોલ છે સાહેબ! તમે તો સિક્સર મારી છે!" નેતાજી છોકરાઓને કહેશે, "બેટા, આ ગ્રાઉન્ડમાં લાઈટો નંખાવી દઈશ, બસ તમારા મમ્મી-પપ્પાને કહેજો કે મશીન પર બટન દબાવતી વખતે જરા મારું મોઢું અને નિશાન યાદ રાખે."
રાત્રિ સભાઓ અને 'ભોજન-પોલિટિક્સ'
જેમ મતદાનનો દિવસ નજીક આવે, એમ રાતનું વાતાવરણ ગરમાય. ભોજન સમારંભો શરૂ થાય. જે જ્ઞાતિના લોકો આખું વર્ષ એકબીજાનું મોઢું નહોતા જોતા, એ અત્યારે એક જ પંગતમાં બેસીને 'સમાજનું હિત' ચાવતા જોવા મળે. અંધારામાં પેકેટોની આપ-લે થાય. જે મતદારો ગઈકાલ સુધી 'સિદ્ધાંતો'ની વાતો કરતા હતા, એ આજે 'કયા નેતાએ કેટલા પેકેટ મોકલ્યા' એના પર ગણિત ગણતા હોય. આને કહેવાય 'લોકશાહીનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર'!
'આંગળી પરનું શસ્ત્ર'
મતદાનના દિવસે સવારથી જ નેતાજીના કાર્યકરો (ભાડે રાખેલા માણસો) ઘરે-ઘરે જઈને બારણાં ખખડાવે. "માસી, ચા પી લીધી? ચલો હવે વોટ આપવા, ગાડી તૈયાર છે." ભલે ને મતદાન મથક બાજુની ગલીમાં જ હોય, પણ નેતાજી તમને એવી રીતે એસી ગાડીમાં બેસાડીને લઈ જશે કે જાણે તમે મુંબઈથી અમેરિકા જઈ રહ્યા હોવ!
બૂથમાં જઈને જ્યારે પેલી ભૂરી શાહી આંગળી પર લાગે, ત્યારે સામાન્ય માણસને પાંચ સેકન્ડ માટે એવું લાગે છે કે, "અબુધાબીના શેઠ પણ મારા જેવી જ સત્તા ધરાવે છે." અને પછી એ આંગળીનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર 'Voted for Change', 'Finger with a purpose' (ભલેને એણે ૨૦૦ રૂપિયા લઈને વોટ આપ્યો હોય!) કેપ્શન સાથે મૂકવો એ ગુજરાતનો રાષ્ટ્રીય ધર્મ બની જાય છે.
સાહેબ મીટિંગમાં છે
પરિણામના દિવસે ટીવીની સામે લોકો એવી રીતે બેસે છે જાણે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ હોય.
જીતનારા નેતા: સીધા જનતાના સંપર્કમાંથી ગાયબ! જીત્યા પછી પહેલું કામ એમના ઘરની બહાર 'કૂતરાથી સાવધાન' અને 'સાહેબ મીટિંગમાં છે' એવા પાટિયાં મારવાનું કરશે. જે લોકોએ ફૂલહાર પહેરાવ્યા હતા, એ જ હવે નેતાજીને મળવા માટે પી.એ.ના પગે પડતા હશે.
હારનારા નેતા: હાર્યા પછી તરત જ એ પ્રેસ કોન્ફરન્સ કરશે: "EVMમાં લોચો હતો! લોકોના મતમાં વાયરસ હતો! અમે તો સેવા કરવાના જ છીએ (પાનના ગલ્લે બેસીને!)."
વ્યંગથી વાસ્તવિકતા તરફ
મિત્રો! આ બધી વાતોમાં હાસ્ય છે, કટાક્ષ છે, પણ એક કડવું સત્ય પણ છુપાયેલું છે. ચૂંટણી વખતે જે નેતા તમારા પગ પકડે છે, એ જીત્યા પછી તમને એમના પગે ન પડાવે એ જોવાની જવાબદારી તમારી છે. સ્થાનિક સ્વરાજ એટલે તમારી શેરી, તમારાં ગામ, તમારાં શહેર અને તમારાં બાળકના ભવિષ્યની ચૂંટણી.
નેતાજી સફેદ ઝભ્ભામાં આવે કે ગરીબના ઘરે રોટલો ખાય, પણ તમારે તો એના 'કામ'ને જ મત આપવાનો છે. નહીંતર યાદ રાખજો, નેતાજી તો પાંચ વર્ષ 'એસી' ઓફિસમાં બેસશે અને તમારે પેલા 'સ્માર્ટ ખાડા'માં ગાડી ઉછાળવી પડશે! તો ચાલો, તૈયાર થઈ જાવ આ લોકશાહીના 'મેળા'માં ડૂબકી મારવા, પણ સાવધાન રહેજો-ક્યાંક નેતાજીની વાતોના વહેણમાં તમે પોતે 'વહી' ન જાવ!
નોંધ: આ લેખ માત્ર મનોરંજન અને જાગૃતિ માટે છે. કોઈ પણ જીવતા કે 'હમણાં જ સફેદ ઝભ્ભો સીવડાવેલા' નેતા સાથે આના સામ્યને માત્ર સંજોગ સમજવો!

