Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
22 વર્ષથી નાસતો ફરતો નકલી ચલણી નોટ કૌભાંડનો આરોપી મોરબીથી ઝડપાયો

22 વર્ષથી નાસતો ફરતો નકલી ચલણી નોટ કૌભાંડનો આરોપી મોરબીથી ઝડપાયો

નવગુજરાત સમય , ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશને મોટી સફળતા મળી છે. ગાંધીનગર LCB-2ની ટીમે નકલી ચલણી નોટોના કૌભાંડમાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપી મંગલારામ બિશ્નોઇને મોરબી જિલ્લાના માળિયા ગામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આયુષ જૈનની સૂચના અનુસાર, LCB-2ના પીઆઇ કે. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ એક વિશેષ યાદી તૈયાર કરવામાં આવી હતી. પીએસઆઈ કે.કે. પાટડિયા, બી.એચ. ઝાલા અને એન.એમ. સિસોદિયાની આગેવાનીમાં પોલીસે ટેકનિકલ સોર્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આશ્રયસ્થાનો પર કોમ્બિંગ હાથ ધર્યું હતું.

કોમ્બિંગ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી મંગલારામ વરીગારામ બિશ્નોઇ (મૂળ રહે. જોગાઉ, રાજસ્થાન) હાલ મોરબીની સમરાથલ ભાદુ હોટલ ખાતે છે. તેના આધારે LCB-2ના પી.આઈ. કે.જે. રાઠોડ, પીએસઆઈ બી.એચ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર અને કોન્સ્ટેબલ કરણસિંહ સહિતની ટીમે મોરબી પહોંચી વેશપલ્ટો કરીને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરી તેને દરોડો પાડી ઝડપી લીધો હતો.

આજથી ૨૨ વર્ષ પહેલાં કલોલ તાલુકા મથકે આરોપી મંગલારામ અને તેના સગા સંબંધીઓએ મળીને અસલી ચલણી નોટોના બદલામાં નકલી ચલણી નોટો એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો અને હાલ મોરબી મીયાણા ખાતે પોતાની ઓળખ છુપાવી પરિવાર સાથે રહેતો હતો. હાલમાં પકડાયેલા આરોપીને આગળની તપાસ માટે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay