અયોધ્યા: અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બહાર આવ્યા બાદ સોમવારે પ્રથમ વખત મંદિર ટ્રસ્ટની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ આપેલા રાજીનામા અંગે નિર્ણય લેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક પૂર્વે ખજાનચી ગોવિંદદેવ ગિરીએ વિવાદમાંથી છટકી જવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે, દાનની દૈનિક પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી.
તમામ ઓડિટ રિપોર્ટ સલામત અને કોઈપણ અધિકૃત વ્યક્તિ તેને જોઈ શકે છે.
મંદિરમાં દાન ચોરી સમયે મૌન રહેલા ટ્રસ્ટીઓના બચાવમાં પાંગળી દલીલ કરતાં ગોવિંદ ગિરીએ કહ્યું હતું કે, દાન ચોરીની કમનસીબ ઘટના ક્યારે અને કઈ રીતે બની તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ. કોર્ટ તેનું કામ કરશે. એસઆઈટી અને પોલીસમાં શ્રદ્ધા છે. કોઈ ગુનેગારને છોડવામાં આવશે નહીં. દરેકે તપાસ તથા ન્યાયતંત્રમાં શ્રદ્ધા રાખવી જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ, એસઆઈટી દ્વારા ચંપત રાય અને અનિલ મિશ્રા ઉપરાંત ગોપાલ રાયનું નિવેદન પણ લેવાયું છે. એસઆઈટીની પ્રારંભિક તપાસ બાદ નોંધાયેલી ફરિયાદમાં માત્ર નાના કર્મચારીઓને જ આરોપી બનાવાયા છે. ટ્રસ્ટના મોટાં માથાઓની ભૂમિકા અંગે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ ન હોવાથી સામાન્ય શ્રદ્ધાળુઓમાં કચવાટ છે અને વિરોધ પક્ષોના હાથમાં સંવેદનશીલ મુદ્દો આવી ગયો છે.
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં મુંબઈથી રામ રક્ષા વિરોધ આંદોલનનો પ્રારંભ થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, રામ મંદિરમાં ~20,000 કરોડની દાનચોરી માટે ભાજપ અને સંઘ જવાબદાર છે. ખડગેના આક્ષેપનો જવાબ આપતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને કહ્યું હતું કે, હિન્દુ શ્રદ્ધાનું અપમાન કરનારા અને રામ મંદિર ચળવળનો વિરોધ કરનારા પક્ષો હવે શ્રદ્ધાની વાત કરી રહ્યા છે.

