Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો

નવગુજરાત સમય, અમદાવાદ

મદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળતા શનિવારના રોજ રાજ્યના ડીજીપી અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિધિવત રીતે અનુપમસિંહ ગહેલોતને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો. નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે 12ઃ39ના વિજય મુહૂર્તમાં કમિશનર કચેરી ખાતે પહોંચીને ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ પોલીસ કમિશનરે પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી, ડીસીપી, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

જેમાં અમદાવાદ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જે મહેનત કરી છે તે યથાવત રાખવા સૂચના આપી હતી. સાથે પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે શનિવારે સવારે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ કમિશનર ગેહલોતે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેની સાથે સાથે તેમણે જણાવ્યું કે અમદાવાદ શહેરની એક જૂની અને આગવી ઓળખ છે, પાટનગરથી સૌથી નજીક અને રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં પોલીસ માટે ઘણા પડકારો છે. અમદાવાદમાં કાયદો વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જળવાઈ હોવાથી અમદાવાદ પોલીસે કરેલા કામને આગળ વધારવાના પૂરેપૂરા પ્રયાસ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે ચાર્જ લીધા બાદ હવે અમદાવાદના સૌથી મોટા ધાર્મિક તહેવાર રથયાત્રાની તૈયારીઓમાં લાગી જવાનું છે. જે બાદ અમદાવાદ શહેર માટેના મોટા પડકારો પૈકી ટ્રાફિક અંગેની કામગીરી કરીને લોકોને સમસ્યામાંથી મુક્તિ અપાવીશું. આ સાથે લોકોને કમિશનર કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે પોલીસસ્ટેશનથી જ સમસ્યા કે રજૂઆતનો નિકાલ થાય તેવી વ્યવસ્થાને આગળ વધારવામાં આવશે. કમિશનર ગેહલોત અધિકારી અને મીડિયાને સંબોધ્યા બાદ નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે પહોંચીને માથું ટેકવીને અમદાવાદ શહેરની જવાબદારી સ્વીકારીને કાર્યો આગળ ધપાવ્યા હતા.

ત્રણ વર્ષના કાર્યકાળમાં પોલીસે ઉમદા કામગીરી કરી

મારા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન શહેર પોલીસના અધિકારીઓએ ખૂબ સારૂ કામ કર્યુ છે. ગુનાની સ્થિતિ કાબૂમાં રહી, મોટા ઓપરેશન હાથ ધરાયા, ટ્રાફિકની સમસ્યા દૂર કરી, વેલફેર અને હેલ્થ પ્રત્યેના પ્રોજેક્ટ હાથ ધરાયા હતા અને આ તમામ પ્રોજેક્ટમાં સંતોષજનક પરિણામ મળ્યા છે. શહેરમાં લોકભાગીદારીથી 24 હજારથી વધુ સીસીટીવી લગાવતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કાબૂમાં રહી અને ડિટેક્શનનો રેશિયો પણ વધ્યો હતો. સુરક્ષિત શહેરનો દરજ્જો પણ આ જ અધિકારીઓની કામગીરીથી મળ્યો હતો, જેથી નવા અને અનુભવી કમિશનર ગેહલોત આ તમામ પ્રોજેક્ટોને આગળ વધારીને કાયદો-વ્યવસ્થા મજબૂત કરે તે મુજબની ચર્ચા કરી છે. - જી. એસ. મલિક, રાજ્ય પોલીસ વડા

શહેર સુરક્ષિત હતું, છે અને હવે વધુ રાખીશું

આગવી ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાં બીજી વખત કામ કરવાનો મોકો મળ્યો છે. હાલ રથયાત્રાની તૈયારીમાં જોતરાઇ જવાનું છે. આ ઉપરાંત આગામી સમયમાં કોમનવેલ્થ અને અન્ય ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે જેમાં ટ્રાફિકના પ્રશ્નો દૂર થાય તે દિશામાં કામ કરવામાં આવશે. સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે મુખ્ય પ્રાયોરિટી રહેશે. લોકોને રંજાડનાર સામે કડક કાર્યવાહી થશે અને તેવા તત્ત્વોને સીધા દોર કરીશુ. અસામાજિક તત્ત્વોનો ભોગ બનેલા જો પોલીસ પાસે નહીં જાય અને તેવા કિસ્સા પોલીસના ધ્યાને આવશે તો સામેથી પોલીસ તેમની પાસે જઇને કાર્યવાહી કરશે. પોલીસ કર્મીઓ પ્રજા સાથે નમ્રતા દાખવે તે માટેના પ્રયાસ થશે. લોકોને દૂર આવેલી કચેરીઓ સુધી ન જવુ પડે તે માટે પોલીસસ્ટેશનથી જ સમસ્યાના નિવારણ આવે તે પ્રમાણે કામગીરી કરીશું. ગુનેગારોને એક જ ચેતવણી છે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. શહેર સુરક્ષિત હતું, છે અને હવે રાખીશું. - અનુપમસિંહ ગેહલોત,પોલીસ કમિશનર, અમદાવાદ શહેર

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay