નવગુજરાત સમય, અંકલેશ્વર
અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ અને GIDCની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ ન હોવા છતાં C પમ્પિંગ સ્ટેશનના ફ્લડ ગેટ ખુલ્લા રાખી કેમિકલયુક્ત પાણી સીધું અમરાવતી નદીમાં પધરાવવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના આકસ્મિક નિરીક્ષણ દરમિયાન C પમ્પિંગ સ્ટેશન પાસેના ફ્લડ ગેટમાંથી પ્રદૂષિત પાણી વરસાદી ખાડી મારફતે સીધું અમરાવતી નદીમાં વહેતું હોવાનું જોવા મળ્યું હતું.
આ અંગે GPCBને ફરિયાદ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદૂષિત પાણી પરત ખેંચવા માટેના C પમ્પિંગ સ્ટેશનના ચારેય પંપ તદ્દન બંધ હતા. પ્રદૂષિત પાણી રોકવા માટેનો ફ્લડ ગેટ સંપૂર્ણ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. પ્રદૂષણનું સતત મોનિટરિંગ કરતા OCEMS ઓનલાઇન યંત્રો પણ બંધ હાલતમાં હતા. પ્રદૂષિત પાણીને પમ્પિંગ સ્ટેશનમાં લઈ જવાની અને સિસ્ટમની જાળવણીની મુખ્ય જવાબદારી નોટિફાઇડ એરિયા વિભાગની છે. પ્રાથમિક તપાસમાં અધિકારીઓની નિષ્ક્રિયતા કે રહેમનજર હેઠળ આ પ્રકારની લાપરવાહી લાંબા સમયથી ચાલતી હોવાનું સામે આવ્યું છે. GPCBના અધિકારીઓ અને ઔદ્યોગિક એસોસિએશનના પ્રતિનિધિઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા.
મંડળે GPCB અને ગાંધીનગર કચેરીમાં ઓનલાઇન ફરિયાદ કરીને માંગ કરી છે કે, ફ્લડ ગેટ તાત્કાલિક બંધ કરી પ્રદૂષિત પાણી નદીમાં જતું અટકાવવું. C પમ્પિંગ સ્ટેશનના તમામ પંપ 24 કલાક કાર્યરત રાખવાની ખાતરી કરવી. બંધ પડેલા તમામ પ્રદૂષણ મોનિટરિંગ યંત્રો તાત્કાલિક શરૂ કરવા. આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા. GPCB અધિકારીઓએ સ્થળ પરથી જવાબદારોને ફોન કરી કડક સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.

