નવગુજરાત સમય, અંકલેશ્વર
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. આ ગંભીર સમસ્યાથી તોબા પોકારી ઉઠેલા હાઉસિંગ એસોસિએશને આજે નોટિફાઇડ ઓથોરિટી સમક્ષ પુનઃ મૌખિક અને ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોએ રોષે ભરાઈને સવાલ કર્યો હતો કે, આખરે આ રખડતા ઢોરના ત્રાસમાંથી જનતાને ક્યારે કાયમી છુટકારો મળશે?
હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જીઆઇડીસીના વિવિધ રહેણાંક વિસ્તારો સહિત મુખ્ય ચાર રસ્તા અને આંતરિક માર્ગો પર પશુઓ અડિંગો જમાવીને બેસી રહે છે. જેના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.
ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેને લીધે નોકરીયાત વર્ગ અને શાળાએ જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થાનિક મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને આક્રોશ ઠાલવ્યો હતો કે, સોસાયટીની બહાર જ ગાયો અને આખલાઓ યુદ્ધે ચડતા હોવાથી બાળકો અને વૃદ્ધોનું રસ્તા પર એકલા નીકળવું પણ અત્યંત જોખમી બની ગયું છે.
રજૂઆતકર્તાઓએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે માત્ર પશુઓ પકડવાની કામગીરી પૂરતી ન રહે, પરંતુ પશુઓને રસ્તા પર રખડતા મૂકનાર જવાબદાર ઢોર માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ભારે દંડ વસૂલવામાં આવે. તેમનું માનવું છે કે, આવા પગલાં લેવાથી જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
નોટિફાઇડ ઓથોરિટી દ્વારા આ મામલે સત્વરે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

