નવગુજરાત સમય, અંકલેશ્વર
અંકલેશ્વરમાં 2 ઈંચ વરસાદમાં જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ પૂર્વે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર પોણા 3 ઈંચ વરસાદમાં કડકિયા ડાયવર્ઝન માર્ગ ધોવાણ થયું હતું, જે હજુ શરૂ થયો નથી ત્યાં હવે અંકલેશ્વરના નવાગામ-કરાવેલ કુબેર ખાડી પર બની રહેલા નાના પુલના કારણે આપવામાં આવેલ ડાયવર્ઝન ધોવાતા ચાર ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
12 કલાકની ભારે જહેમત બાદ માર્ગ પુનઃ શરૂ થયો હતો.
અંકલેશ્વર તાલુકામાં પડેલા માત્ર 2 ઈંચ અવિરત વરસાદના કારણે જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઝઘડિયા GIDC તેમજ અન્ય ચાર ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી કુબેર ખાડી પાસે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતાં બચી હતી. ખાડી પર બની રહેલા નવા ઊંચા પુલની કામગીરીને કારણે અપાયેલું અંદાજે 20 ફૂટનું કામચલાઉ ડાયવર્ઝન મધ્યમાંથી ધોવાઈ ગયું હતું. આ ઘટનાને પગલે નવાગામ, કરાવેલ સહિત ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
વહેલી સવારે ઘટનાની જાણ થતા જ માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ તેમજ અંકલેશ્વરના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી સતત 12 કલાકની ભારે જહેમત બાદ અંતે સાંજે આ માર્ગને પુનઃ અવરજવર માટે ખુલ્લો કરવાની કવાયત હાથ ધરાઈ હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કુબેર ખાડી પરના જર્જરિત પુલના સ્થાને નવો ઊંચો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ચોમાસું શરૂ થવા છતાં તંત્ર બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જો પ્રી-મોન્સૂન પ્લાનિંગ હેઠળ સમયસર કામ પૂરું કરાયું હોત તો આજે લોકોને આટલી મોટી હાલાકી ભોગવવી પડી ન હોત. તંત્ર વહેલી તકે કાયમી બ્રિજનું કામ પૂરું કરે તેવી લોકમાંગ ઉઠી છે.
12 કલાક સુધી 7 થી 15 કિમી લાંબો ફેરો ફરવા વાહનચાલકો મજબૂર
ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક સેફ્ટી બેરિયર ટેપ લગાવી રસ્તો બંધ કરી દેવાયો હતો. જેના કારણે સવારથી જ નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને દૈનિક કામકાજ માટે અંકલેશ્વર આવતા લોકો અટવાઈ પડ્યા હતા. નવાગામ અને આસપાસના રહીશોને અંકલેશ્વર તરફ આવવા માટે અંદાજે 7 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો લગાવવો પડ્યો હતો, જેના કારણે લોકો પર સમય અને કિંમતી ઇંધણ બંનેનો આર્થિક બોજ વધ્યો હતો.
કુબેર ખાડીમાં ઝઘડિયા GIDC સહિત આજુબાજુના ગામોનું પણ પાણી નિકાલ
નવાગામ-કરાવેલ ખાતે આવેલી કુબેર ખાડી ઝઘડિયા તાલુકામાંથી પસાર થઈ અંકલેશ્વર આવી ઉછાલી અને દઢાલ પાસે અમરાવતી નદીમાં વિલીન થાય છે. તેમાં ઝઘડિયા GIDC ઉપરાંત આજુબાજુના ગામોનું વરસાદી પાણી પણ વહેતું હોય, ગત રોજ ઝઘડિયા વિસ્તારમાં વધુ વરસાદને લઈ કુબેર ખાડી છલકાઈ ઉઠી હતી. તેના ધસમસતા પ્રવાહે નવાગામ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ કરી નાખ્યું હતું.

