નવગુજરાત સમય, અંકલેશ્વર
અંકલેશ્વર તાલુકામાં ચોમાસાની આકાશી આફત વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) ખેડૂતો માટે આર્થિક સંકટ લઈને આવ્યો છે. પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીના કારણે ઉટીયાદરા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદી પાણીના નિકાલના માર્ગ રૂંધાઈ ગયા છે. પરિણામે, આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને હજારો લીલાછમ ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરમાં ગોઠણ સમા પાણી ભરાઈ રહેવાના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના મોંઘા ભાવના ઉભા પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સત્તાધીશો કે સ્થાનિક વહીવટી તંત્રે આ બાબતને ગંભીરતાથી લીધી નથી. જેને પગલે ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ હવે આરપારની લડાઈના મૂડમાં ચીમકી આપી છે કે, જો તાત્કાલિક પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અને પાક નુકસાનનું યોગ્ય વળતર નહીં મળે તો બુલેટ ટ્રેનની કામગીરી બળજબરીથી અટકાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ ગંભીર મુદ્દે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રે ટેલિફોનિક વાતચીતમાં બચાવ કરતા જણાવ્યું હતું કે, આ સ્થિતિ ભારે વરસાદના કારણે સર્જાઈ છે અને પાણીના નિકાલ માટે 6 ભૂંગળા (ડ્રેનેજ પાઇપ) મૂકવામાં આવ્યા છે.
બીજી તરફ ખેડૂતો આ દાવાને તદ્દન પોકળ ગણાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ગ્રાઉન્ડ ઝીરો પર આવી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, માત્ર કાગળ પર વાત થઈ રહી છે.
આ અંગે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ખેતરોમાંથી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાયમી કેનાલ અથવા ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવે તેમજ વહીવટી તંત્ર દ્વારા વિશેષ સર્વે કરાવી બરબાદ થયેલા પાકનું 100 ટકા વળતર ચૂકવવામાં આવે.
હાલ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી, વહીવટી તંત્રની બેદરકારી અને કુદરતના પ્રકોપ વચ્ચે અંકલેશ્વરના ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

