નવગુજરાત સમય, રાજકોટ
માતા જેના જન્મના સપના જોતી હતી એ બાળક જન્મ્યું પણ રડ્યું નહીં, બાળક શ્વાસ જ નહોતું લેતું.. માતાને ઝેરી કમળો હતો અને તેમની તબિયત પણ બગડી.. પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા.. પણ ગોંડલ તાલુકાના દડવા હમીરપરાની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફોન પર ડોક્ટરના માર્ગદર્શન મુજબ નવજાતને સતત અડધો કલાક સી.પી.આર. અને બી.વી.એમ.
થકી કૃત્રિમ શ્વાસ આપ્યા અને અચાનક બાળક શ્વાસ લઈને રડવા માંડ્યું. બાળકનાં પ્રથમ રુદનથી માતા, પરિવાર, ૧૦૮ની ટીમના જીવમાં જીવ આવ્યો.. જાણે બાળકને જન્મ પછી નવું જીવન મળ્યું!
આ હૃદયસ્પર્શી ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજપીપળા ગામમાં ઘટી છે.૧૦૮ની ટીમના જિલ્લા કોઓર્ડિનેટર યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, ૪ જુલાઈની સવારે દડવા હમીરપરાની ૧૦૮ એમ્બ્યુલન્સને નવા રાજપીપળા ગામના વાડી વિસ્તારમાંથી એક ઈમરજન્સી કોલ મળ્યો. પાયલોટ લાલજીભાઈએ સમયની ગંભીરતા સમજીને ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચાડી દીધી.સ્થળ પર પહોંચતા જ ઈ.એમ.ટી. સુલય રાઠોડે જોયું કે, માતા શશીબેનની ડિલિવરી થઈ ચૂકી હતી, બાળક શ્વાસ જ નહોતું લેતું .
૧૦૮ની ટીમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સતત સી.પી.આર. આપવાનું શરૂ કર્યું, સાથે બી.વી.એમ. મશીનથી કૃત્રિમ શ્વાસોચ્છાસ શરૂ કરવામાં આવ્યા. આશરે અડધો કલાક સુધીના અથાક પ્રયાસો રંગ લાવ્યા. એમ્બ્યુલન્સ હજુ રસ્તામાં જ હતી ત્યાં જ બાળકના શરીરમાં અચાનક ચેતનાનો સંચાર થયો અને તેણે પોતાનો પહેલો શ્વાસ લીધો અને રડવાનું શરૂ કર્યું. બાળકના રડવાના અવાજથી એમ્બ્યુલન્સમાં ચિંતા હળવી થઈ અને સૌને હાશકારો થયો.

