Sunday, 19 Sep, 8.23 pm નવગુજરાત સમય

અન્ય શહેરો - ગુજરાત
બારડોલી સહિત જિલ્લામાં શ્રીજીને ભારે હૈયે વિદાય

નવગુજરાત સમય ,બારડોલી:
બારડોલી સહિત જિલ્લામાં ભારે હૈયે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. બારડોલીના તેન નજીક આવેલા કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભારે ઉહાપોહ બાદ તંત્ર દ્વારા પરંપરાગત રૂટ પર વિસર્જન યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી. જો કે ગણ્યા ગાંઠ્યા ગણેશ મંડળોને બાદ કરતાં મોટા ભાગના ગણેશ મંડળો વિસર્જન યાત્રામાં જોડાવાની જગ્યાએ સીધા જ તેન ખાતે આવેલા તળાવમાં વિસર્જન કર્યું હતું.

કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે પહેલી વખત સરકાર દ્વારા તહેવારોમાં છૂટછાટ આપવામાં આવી હતી. જેને કારણે ગણેશોત્સવમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દસ દિવસ બાપાની ભક્તિભાવ પૂર્વક આરાધના કર્યા બાદ રવિવારના રોજ ભક્તોએ ભીની આંખે બાપાને વિદાય આપી હતી. બારડોલીમાં વહીવટી તંત્રએ તળાવ બનાવવાની તસ્દી ન લેતા છેવટે તેનના કુદરતી તળાવમાં વિસર્જન માટેની તૈયારી કરવા આવી હતી. ઘરમાં સ્થાપના થયેલી મૂર્તિની મોટાભાગના પરિવારોએ ઘરમાં જ ઇકોફ્રેન્ડલી રીતે ગણેશજીનું એક મોટા પાત્રમાં વિસર્જન કર્યું હતું. જ્યારે અન્ય મૂર્તિઓનું તેન તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેન તળાવમાં 2 થી 4 ફૂટ સુધીની 243 અને 2 ફૂટથી નાની 300 જેટલી મૂર્તિનું વિસર્જન કરાયું હતું.

વસર્જન યાત્રા માટે તંત્રે છેલ્લી ઘડીએ પરંપરાગત રૂટ યથાવત રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ એ રુટ તેન સુધી આવવા માટે લાંબો પડતા મોટા ભાગના મંડળો સીધા જ તેન તળાવ પર પહોંચી શ્રીજીનું વિસર્જન કર્યું હતું. 15 જેટલા મંડળો જ આ વખતે યાત્રામાં જોડાયા હતા. મોડી સાંજ સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. પોલીસે વિસર્જન દરમ્યાન ચાંપતો બંદોબસ્ત રાખતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી રહ્યું છે.
બારડોલીના જલારામ મંદિરમાં નારિયેળના છોતરામાંથી બનનાવવામાં આવેલા ગણેશજીનું મંદિરમાં જ એક પાત્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક પરિવારોએ આ રીતે ઘરમાં વિસર્જન કરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top