નવગુજરાત સમય , અમદાવાદ
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED), મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા બિલપાવર લિમિટેડ લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDએ PMLA, એક્ટ 2002 હેઠળ મુંબઈ અને વડોદરામાં સાત રહેણાક તથા બિઝનેસ સ્થળો મળી કુલ દસ પ્રિમાઇસીસ પર દરોડા પાડ્યા હતા. ઘણા બેંક લોકરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સર્ચ દરમિયાન 43.90 લાખ રોકડ અને 12.20 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. જ્યારે બે બેંક એકાઉન્ટ ફ્રીઝ અને ત્રણ લોકર સીલ કરાયા છે.
આ કાર્યવાહી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે CBI, દિલ્હી દ્વારા નોંધાયેલી FIR બાદ ED દ્વારા શરૂ કરાયેલી તપાસના અનુસંધાનમાં કરવામાં આવી હતી. CBIએ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ બિલપાવર લિમિટેડ, તેના ડિરેક્ટરો અને સહયોગી કંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. EDના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મર લેમિનેશન અને કોર બનાવતી બિલપાવર લિમિટેડે SBI પાસેથી વિવિધ લોન અને બેંકિંગ સુવિધાઓ મેળવી હતી. લોનની રકમ અન્યત્ર ડાયવર્ટ કરી કંપનીના હિસાબોમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આરોપ છે, જેના કારણે બેંકને આશરે 160.55 કરોડનું નુકસાન થયું હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.
કંપનીનું લોન એકાઉન્ટ 18 એપ્રિલ, 2012ના રોજ NPA બન્યું હતું. EDની તપાસમાં કેટલીક શેલ અથવા બોગસ કંપનીઓ સાથેના વ્યવહારો સામે આવ્યા છે. આ કંપનીઓ મારફતે બેંકના નાણાં ડાયવર્ટ અને રાઉન્ડ-ટ્રિપિંગ કરાયું હોવાની આશંકા છે. LC માટે કથિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.
તપાસ મુજબ, લોનના નાણાંનું સમગ્ર સંચાલન રાજેન્દ્રકુમાર ચૌધરી, સુરેશકુમાર ચૌધરી અને નરેશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવતું હતું જે નાણાં તેમના સહયોગીઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. સર્ચમાં મિલકતો, જમીન અને મશીનરી સંબંધિત દસ્તાવેજો ઉપરાંત હિસાબી ચોપડા, લેજર્સ અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા હતા. ED દ્વારા હવે આ તમામ વ્યવહારોની કડીની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

