નવગુજરાત સમય, અમદાવાદ
અમદાવાદના 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્જે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે 38 દોષિતોની ફાંસી અને 11ને આજીવન કેદની સ્પે. કોર્ટની સજાને કન્ફર્મ રાખતો સીમાચિહ્ન રૂપ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા બોમ્બ બ્લાસ્ટના આતંકી કૃત્યને 'રેરેસ્ટ ઓફ ધી રેર' માનવાના સ્પેશિયલ કોર્ટના હુકમને હાઇકોર્ટે પણ બહાલ રાખ્યો છે.
મંગળવારે હાઇકોર્ટમાં ખુલ્લી અદાલતમાં ખંડપીઠે ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદાના પગલે ગુજરાત હાઇકોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી અને જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી થઇ હતી. નોંધનીય છે કે ગત મહિને હાઇકોર્ટની ખંડપીઠે આ કેસમાં લંબાણપૂર્વકની સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો.
હાઇકોર્ટે આ કેસમાં કુલ 49 આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. જે પૈકી 38 આરોપીઓને ફાંસી અને 11ને જીવનની છેલ્લી શ્વાસ સુધી જેલમાં રહેવાની સજાને હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્જે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે યથાવત્ રાખતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આ સાથે હાઇકોર્ટની ખંડપીઠે ફેબ્રુઆરી-2022માં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલનો કોઇ ઘટનામાં 38 આતંકવાદીઓને ફાંસી આપતો આજ સુધીના દેશના સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદાને બહાલી આપી હતી. સાથે જ ઘટનાના મૃતકના કુટુંબને 10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
હાઇકોર્ટનો ચુકાદો જાહેર થયાં બાદ સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે,2008ના બોમ્બ બ્લાસ્ટના કેસમાં ટ્રાયલ કોર્ટની સજાને હાઇકોર્ટે કન્ફર્મેશન કેસ ગ્રાહ્ય રાખ્યો હતો. જોકે ચુકાદો હજુ સુધી અપલોડ થયો ન હોવાથી તેના પર કંઇ કમેન્ટ કરી શકીએ નહીં. પરંતુ ટ્રાયલ કોર્ટનો જે હુકમ હતો એને કન્ફર્મ એટલે કે 38ની ફાંસીનો હુકમ યથાવત રખાયો છે. 49ને દોષિત ઠરાવવા માટે તેમણે કઇ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો અને સમગ્ર કાવતરું ઘડ્યું હતું એ બાબત હાઇકોર્ટ સમક્ષ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી. તમામ આરોપીઓની સંડોવણી કઇ રીતે કાવતરામાં હતી એ પણ હાઇકોર્ટના રેકર્ડ પર મુકવામાં આવી હતી. માર્ચ 2025થી આ કેસ હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ ડે ટૂ ડે ચાલી રહ્યો હતો. છેલ્લા જાન્યુઆરી મહિનાથી ફૂલ ડે આ કેસની સુનાવણી થઇ હતી અને ત્યારબાદ આ ચુકાદો જાહેર કરાવામાં આવ્યો છે.
આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચની પ્રતિષ્ઠાનો સવાલ હતો : અભય ચુડાસમા
હાઇકોર્ટના ચુકાદા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની તપાસ ટીમના સભ્ય અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે,આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસને પણ હાઇકોર્ટે મ્હોર લગાવી છે. ક્રાઈમ બ્રાન્ચ માટે આ તપાસ પ્રતિષ્ઠાનો સવાલ હતો. ઇન્ટર સ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત પોલીસનું તપાસમાં જે કોર્ડિનેશન હતું, એવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઇ કેસમાં રહ્યું નથી. આ કેસની તપાસ એક નંબરના આધારે થઇ હતી અને એ એક નંબરથી પાંચ નંબર મળતા તપાસ ચોક્કસ દિશામાં આગળ વધી હતી. ગુજરાત પોલીસના હાથે મહત્તમ આરોપીઓ ઝડપાયા હતા. ગુજરાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો સમગ્ર ભેદ ઉકેલ્યો હતો. આ માટે ચાર આઇઓની ટીમ તત્કાલીન જેસીપી આશિષ ભાટિયા અને મારી આગેવાનીમાં બનાવાઇ હતી. જે ટીમે આખા દેશમાં ફરીને તપાસ પૂર્ણ કરી હતી. આ કેસમાં ટેકનિકલ સર્વેલાન્સ ઉપરાંત જે સ્થળે આરોપીઓએ બોમ્બ બનાવ્યા હતા તે ઉપરાંત તેમની વાતચીતના પુરાવા મળ્યા હતા. હાલોલ સહિત જ્યાં ટ્રેનિંગ લીધી હતી. તે ઉપરાંત ગેસ સિલિન્ડરની ખરીદી. ગાડી મુકવાના પુરાવા તપાસ ટીમે મેળવ્યા હતા અને આ તમામ પુરાવાનું સંકલન કરી મજબૂત કેસ બનાવવામાં આવ્યો હતો.
આ આરોપીઓને સજા-એ-મોત
01 ઝાહિદ કુત્બુદ્દીન શેખ
02 ઇમરાન ઇબ્રાહિમ શેખ
03 ઇકબાલ કાસમ શેખ
04 સમસુદ્દીન શાહબુદ્દીન શેખ
05 ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલ હલીમ અન્સારી
06 મોહંમદ આરીફ ઇકબાલ કાગઝી
07 મોહંમદ ઉસ્માન અનિસ અગરબત્તીવાલા
08 યુનુસ મહંમદ મન્સૂરી
09 કમરૂદ્દીન ચાંદ મોહમંદ નાગોરી
10 આમિલ પરવાઝ કાઝી શેખ
11 સીબલી ઉર્ફે સાબીદ અબ્દુલ કરીમ મુસ્લિમ
12 સફદર હુસૈન ઉર્ફે ઇકબાલ જાહરુલ હુસૈન નાગોરી
13 હાફિઝ હુસૈન ઉર્ફે અદનાન મુલ્લા
14 મોહંમદ સાજીદ ઉર્ફે સલીમ ગુલામ ખ્વાજા મન્સુરી
15 મુફ્તિ અબુબશર ઉર્ફે અબ્દુલ રશીદ
16 અબ્બાસ ઉમર સમેજા
17 જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ
18 મોહંમદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજીક મન્સુરી
19 અફઝલ ઉર્ફે અફસર ઉસ્માની
20 મહંમદ આરીફ ઉર્ફે આરીફ બદર શેખ
21 આસીફ ઉર્ફે હસન બદરૂદ્દીન શેખ
22 મહંમદ આરીફ નસીમ અહેમદ મીર્ઝા
23 કયામુદ્દીન ઉર્ફે રીઝવાન કાપડિયા
24 મહંદમ શેફ ઉર્ફે રાહુલ શેખ
25 જીશાન અહેમદ ઉર્ફે જીશાન શેખ
26 જીયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ તૈલી
27 મહંમદ શકીલ યામીમખાન લુહાર
28 મોહંમદ અકબર ઉર્ફે સઇદ ઇસ્માઇલ ચૌધરી
29 ફઝલે રહેમાન ઉર્ફે સલાઉદ્દીન દુરાની
30 અહેમદ બાવા ઉર્ફે અબ્બુ બરેલવી
31 શર્ફુદ્દીન ઉર્ફે શરીફ સલીમ
32 સૈફુર રહેમાન ઉર્ફે સૈફુ અબ્દુલ રહેમાન
33 શાદુલી ઉર્ફે હારીશ મુસ્લિમ
34 મોહંમદ તનવીર ઉર્ફે તલ્હા પઠાણ
35 આમીન ઉર્ફે રાજા શેખ
36 મહંમદ મોબીન ઉર્ફે મુબીન સફુરખાન
37 મહંમદ રફીક ઉર્ફે મુન્ના ઉર્ફે ઇબ્રાહિમ અહેમદ
38 તૌસીફખાન ઉર્ફે અતિક પઠાણ
દર્દીઓથી ભરેલી સિવિલ અને એલજી હોસ્પિટલને પણ નરાધમોએ છોડી નહોતી
આતંકી હુમલાખોરોએ હુમલા પહેલા રેકી કરી હતી અને ભરચક એવા હોસ્પિટલ સહિતના વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હતા. સિવિલ હોસ્પિટલ (અસારવા) અને એલ.જી. હોસ્પિટલ (મણિનગર) ના પરિસરમાં બ્લાસ્ટ થયા હતા. ગોમતીપુર, બાપુનગર, સરખેજ અને રાયપુર દરવાજા, ઇસનપુર, આશ્રમ રોડ, અમરાઈવાડી અને નારોલ જેવા શહેરના અનેક ભરચક વિસ્તારો બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચે 20 દિવસમાં આરોપીઓને ઝડપી લીધાં હતાં
ટ્રાયલ કોર્ટે ચુકાદામાં પણ કેટલાક આરોપીઓ સીમીના સક્રિય સભ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. જોકે અમદાવાદમાં થયેલા વિસ્ફોટ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી ગઇ હતી અને આરોપીઓને 20 દિવસમાં ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓની દેશના દિલ્હી, વારાણસી સહિતના શહેરોમાં થયેલા બોંમ્બ વિસ્ફોટ કેસમાં પણ સંડોવણી હતી. આરોપીઓએ ઇન્ડિયન મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવીને જેહાદી ભાષણો કરીને મુસ્લિમ વિરોધી સરકાર પ્રત્યે અસંતોષ કરીને કેરળના વાઘેમોન અને ગુજરાતના પંચમહાલના હાલોલ ખાતે તાલીમ કેન્દ્રો શરૂ કરીને ઉશ્કેરણીજનક જેહાદી ભાષણો કરીને વધુમાં વધુ લોકોની જાનહાનિ કરવાની યોજના બનાવી હતી. તેના આધારે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચે 20 દિવસમાં આરોપીઓને ઝડપી લીધાં હતાં
અમદાવાદ બ્લાસ્ટ કેસના આંકડાકીય તથ્યો
ઘટના તારીખઃ 26 જુલાઇ 2008 શનિવાર
સમયઃ સાંજે 6.10થી 8.00
કુલ વિસ્ફોટોઃ 20થી વધુ સ્થળે
સુરતમાં 15 જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરાયા
54 લોકોના બ્લાસ્ટમાં મોત
244 લોકોને ઇજા
78 આરોપીઓ પકડાયા
35 કેસોમાં ટ્રાયલ
7.88 લાખ પાનાંના દસ્તાવેજો
2400થી વધુ સાક્ષીઓનો
ચાર્જશીટમાં ઉલ્લેખ
1153 સાક્ષીઓની જુબાની
1237 સાક્ષીઓ પડતા મુકાયા
547 ચાર્જશીટ
41,86,200થી વધુ પાનાનો ઉપયોગ
8350 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ
35 તિજોરીઓ ચાર્જશીટ રાખવા મુકાઇ
9 રાજ્યમાંથી 80 આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ક્યાં કેટલા વાગે બોમ્બ બ્લાસ્ટ થયા હતા
ॾ સિવિલ (7.30થી 7.45 વાગ્યે)
ॾ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
ॾ ટ્રોમા સેન્ટરના મેઇન ગેટ પાસે
ॾ ખાડિયા (6.30 વાગ્યે)
ॾ નારણદાસ દવાની દુકાનની પાસે
ॾ ગોખલે પાન હાઉસ રાયપુર ચકલા
ॾ મિલન કિરાણા સ્ટોર્સ સારંગપુર ચકલા
ॾ સારંગપુર(6.30થી 6.45 વાગ્યે)
ॾ જનતા પાન હાઉસ સારંગપુર દરવાજા બહાર
ॾ નારોલ(6.15થી 6.30 વાગ્યે)
ॾ નારોલ સર્કલ હનુમાનજી મંદિર પાછળ
ॾ મિત્તલ ચેમ્બર્સની સામે રોડ પર
ॾ સરખેજ (7 વાગ્યે)
ॾ સરખેજથી અંબર ટાવર વચ્ચે
ॾ ઇસનપુર (6.15થી 6.30 વાગ્યે)
ॾ ગોવિંદવાડી શાક માર્કેટ
ॾ મણીનગર (6.30થી 6.45 વાગ્યે)
ॾ મણીનગર ચાર રસ્તા પંડિતના ગલ્લા સામે
ॾ જવાહરચોક ચાર રસ્તા શિવાની એવન્યુની જ્વેલર્સ શોપ સામે
ॾ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે
ॾ એલજી હોસ્પિ.ના કમ્પાઉન્ડ ગેટ નં-2 પાસે
ॾ બાપુનગર (6.30થી 7 વાગ્યે)
ॾ સરદાર પટેલ ડાયમંડ માર્કેટ પાસે
ॾ શ્રીજી આઇસ્ક્રીમની દુકાન આગળ
ॾ અમરાઇવાડી (6.45 વાગ્યે)
ॾ નારાયણપાર્ક કોમ્પ્લેક્ષ જ્યોતિ મોબાઇલ શોપ સામે
ॾ હાટકેશ્વર (6.40 અને 8.42 વાગ્યે)
ॾ તેજેન્દ્ર કોમ્પ્લેક્ષ સામે
ॾ કૈલાસધામ સોસા.ની બાજુમાં કચરાપેટીમાં
ॾ ઓઢવ( 6.45 વાગ્યે)
ॾ રાજેન્દ્રપાર્ક નજીક પોસ્ટ ઓફિસ સામે
ॾ ખોડીયાર નગર મયુર ડેરી સામે
ॾ ઠક્કરનગર (6.45 વાગ્યે)
ॾ એપ્રોચ રોડ કુળદેવી ટી સ્ટોલ સામે
ॾ નરોડા (6.30થી 6.45 વાગ્યે)
ॾ પરમશક્તિ ટી સ્ટોલ સામે જાહેર રોડ પર
ॾ ખાત્રજ (7.30 વાગ્યે)
ॾ અરવિંદ મીલ ઝાંપા આગળ

