હર્મેશ સુખડિયા , અમદાવાદ
અમદાવાદ શહેરમાં છાશવારે અકસ્માતો સર્જાતા હોવા છતાંય લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં હજુ પણ પાછીપાની કરીને પોતાના અને અન્યોના જીવ સાથે રમત રમી રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસે છ માસમાં કરેલા કેસો મુજબ ચાલુ વર્ષે છ માસમાં જ વિવિધ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 20.62 લાખ લોકો ઝડપાયા છે. આ તમામ વાહનચાલકોને પોલીસે 141.79 કરોડનો દંડ ફટકાર્યો છે.
આ તમામ વાહનચાલકોએ સૌથી વધુ સિગ્નલ ભંગ, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ, હેલમેટ વગર વાહન ચલાવવાના નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023થી હાલ સુધીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ પોલીસે 84.48 લાખ લોકોને ઝડપી 576 કરોડનો દંડ ફટકાર્યો છે, છતાંય પરિસ્થિતિ ઠેરની ઠેર હોવાથી ટ્રાફિક પોલીસની કડકાઇની અસર જોઇએ તેવી ન વર્તાઇ રહી હોવાનું મનાઇ રહ્યુ છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ લાંબા સમયથી ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકો સામે લાલઆંખ કરી રહી હોવાનો દાવો કરી રહી છે. એકતરફ પોલીસ વાહનચાલકોને ઇ-મેમો ફટકારે છે અને જરૂર પડ્યે લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે છે. પરંતુ પોલીસની કામગીરીના આંકડા પરથી લોકોને આ કાર્યવાહીની કોઇ અસર જ ન વર્તાતી હોય તેવું મનાઇ રહ્યુ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ 2023થી હાલ સુધીમાં આશરે 15 વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ 84.48 લાખ વાહનચાલકોને પકડીને 576 કરોડનો દંડ ફટકાર્યો છે. પોલીસ એકતરફ કરોડોનો દંડ ફટકારતી હોવા છતાંય લોકો પર તેની ઝાઝી અસર વર્તાતી ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વર્ષ 2026ના માત્ર છ જ માસમાં વાહનચાલકોએ સૌથી વધુ સિગ્નલ ભંગ, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ, હેલમેટ વગર વાહન ચલાવીને નિયમોનો ભંગ કર્યો છે. જેને લઇને ટ્રાફિક પોલીસે આવા 20.62 લાખ વાહનચાલકોને ઝડપી 141 કરોડનો દંડ ફટકાર્યો છે. આંકડાઓ સ્પષ્ટ કરે છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસે નિયમોનું પાલન અસરકારક રીતે કરાવી શકી નથી. બીજીતરફ લોકો પણ નિયમોનું યોગ્ય પાલન ન કરતા હોવાથી આ પ્રકારના આંકડા સતત વધતા જોવા મળી રહ્યા છે.
હેલમેટ ન પહેરો તો મોત નિપજે...પણ, શેઠની શીખામણ ઝાંપા સુધી
વર્ષ 2026માં અમદાવાદ શહેરમાં કુલ 775 અકસ્માતો થયા છે. જેમાં 218 ફેટલના બનાવોમાં 230થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. છ માસમાં જ 230 લોકોના મોત નિપજતા હોવાની સામે 13 લાખથી વધુ લોકો હેલમેટ વગર વાહન ચલાવતા હોવાના આંકડા છે. લોકો હેલમેટ ન પહેરતા હોવાથી અકસ્માતમાં મોતને ભેટે છે. જ્યારે અકસ્માત કરનાર લોકો પણ સીટબેલ્ટ ન પહેરતા હોવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. શહેરમાં માત્ર છ માસમાં 40,352 લોકો સીટબેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતા ઝડપાયા છે. જે લોકોને પોલીસે 2.01 કરોડનો દંડ ફટકાર્યો છે.
કયા વર્ષમાં કેટલા કેસ અને કેટલો દંડ
વર્ષ કેસો દંડ
વર્ષ 2023 2.53 લાખ 23.49 કરોડ
વર્ષ 2024 21.15 લાખ 151 કરોડ
વર્ષ 2025 40.16 લાખ 260 કરોડ
વર્ષ 2026 (છ માસ સુધીમાં) 20.62 લાખ 141 કરોડ
ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ અને હેલમેટ વગર વાહન ચલાવવાના કેસો વધ્યા
પ્રકાર કેસ દંડ
સિગ્નલ ભંગ 27573 1.51 કરોડ
ગે.કા. પાર્કિંગ 3 લાખથી વધુ 20.24 કરોડ
રોંગ સાઇડ 1.23 લાખ 24.78 કરોડ
હેલમેટ વગર 13.17 લાખ 65.87 કરોડ

