Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
છોટાઉદેપુર જિલ્લાના તલાટીઓ મહેસુલી તથા અન્ય વિભાગની કામગીરીથી દૂર રહ્યા

છોટાઉદેપુર જિલ્લાના તલાટીઓ મહેસુલી તથા અન્ય વિભાગની કામગીરીથી દૂર રહ્યા

નવગુજરાત સમય, છોટાઉદેપુર

છોટાઉદેપુર તલાટી મંડળ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે છોટાઉદેપુર તલાટી મંત્રીમંડળ દ્વારા તારીખ 3 જુલાઈથી છોટાઉદેપુર જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ મહેસુલ વિભાગના ગામ નમૂના નંબર 1 થી 18 સહિતની મહેસુલી કામગીરી તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી કરવાની રહેશે નહીં. આ નિર્ણયનો અમલ છોટાઉદેપુર જિલ્લાના તલાટી મંત્રી મંડળ દ્વારા અન્ય બીજા કોઈ આદેશ ન થાય ત્યાં સુધી કરવામાં આવશે અને આ આદેશનું જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ આદેશમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ પંચાયત તલાટી કમ-મંત્રીના મહેસુલી તલાટી માટે ન્યાયસંગત અને અલગ જોબચાર્ટ નિર્ધારિત કરવા બાબતે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તે અંગે સરકાર દ્વારા કોઈ માંગ પૂરી ન કરવામાં આવતા આજે છોટાઉદેપુર તલાટી મંડળ સંપૂર્ણ કામગીરીથી દૂર થઈ ગયું છે.

વધુમાં વર્ષ 2022 દરમિયાન તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે થયેલ હડતાલ દરમિયાન સરકાર દ્વારા જોબચાર્ટ નક્કી કરવા અંગે એક કમિટીની રચના કરી પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીનો જોબચાર્ટ અલગ કરવામાં આવશે તેવી લેખિત બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ આશરે સાડા ત્રણ વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જે બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો સક્ષમ અધિકારીઓને તથા પદાધિકારીઓને કરવા છતાં જોબચાર્ટ બાબતનો પ્રશ્ન યથાવત રહ્યો છે.

આથી છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ તરફથી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા કરવામાં આવેલ આદેશને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું અને હડતાળ પાડી તલાટીઓ મહેસુલી તથા અન્ય વિભાગની કામગીરીથી દૂર રહ્યા છે.

તેમજ આ મુદ્દે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ભવિષ્યમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમામ નિર્ણયો સાથે છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ સંપૂર્ણ એકતા અને પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું રહેશે તેમ છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay