Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઢીલી  કામગીરીથી નારાજ કમિશનરે તમામ  અધિકારીને 'કાગળનાં વાઘ' કહી દીધા

ઢીલી કામગીરીથી નારાજ કમિશનરે તમામ અધિકારીને 'કાગળનાં વાઘ' કહી દીધા

નવગુજરાત સમય , અમદાવાદ

મ્યુનિ. તંત્રના અધિકારીઓ તમામ બાબતે ફાઇલોના ઘોડા દોડાવતાં હોય છે અને કામ કર્યાના પ્રચાર કરતા હોવાનું લાગતાં મ્યુનિ. કમિશનરે કોઇ ચોક્કસ અધિકારીનું નામ લીધા વગર જ તમામને કાગળના વાઘ કહી દીધા હતા અને તમે બોલબોલ કર્યા વગર કામ કરશો તો તમારૂ કામ જ બોલશે તેમ સુણાવ્યું હતું. જોકે આ ટિપ્પણીને લઇ અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં હતા.

કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ડે. કમિશનર, આસિ. કમિશનર અને દરેક વિભાગના વડા અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં મોટાભાગે ટ્રાફિક અને પાર્કિંગ, રોડ, ફૂટપાથ, દબાણો વગેરે વિષય ઉપર જ વધારે ચર્ચા કરી હતી. જેમાં કમિશનરે પણ જોયુ હતું કે, એએમટીએસ અને બીઆરટીએસની બસો બસ સ્ટેશન ખાતે ઊભી રહેવાને બદલે બસ સ્ટેન્ડથી દૂર અને રોડ વચ્ચે ઊભી રહેતી હોવાથી ટ્રાફિકને અડચણ થાય છે. તેથી બન્ને બસ સેવાના ડ્રાઇવરોને યોગ્ય જગ્યાએ જ બસ ઊભી રાખવાની તાકીદ કરી દેવા જણાવાયુ હતું. તેવી જ રીતે શહેરમા ઠેર ઠેર રિક્ષાચાલકો પણ બસ સ્ટેન્ડ, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, જંકશન વગેરે જગ્યાઓએ ઊભા રહી રાહદારીઓ અને વાહનચાલકોને નડતરરૂપ બનતાં હોય છે, આ રિક્ષાચાલકોના મામલે કમિશનરે રિક્ષા એસોસિએશનો સાથે વાત કરી સ્પષ્ટ કરી દેવા અને મ્યુનિ. દ્વારા લાઇન દોરી આપવામાં આવે તેની બહાર રિક્ષા ઊભી રાખવામાં આવશે તો રિક્ષા ટો કરવા સહિતના પગલા લેવાની ચીમકી આપી દેવાની સૂચના આપી હતી.

તદઉપરાંત કમિશનરે મ્યુનિ. દ્વારા જુદા જુદા જંકશન અને અન્ય જગ્યાએ લગાવાયેલા સીસીટીવી કેમેરાના ટ્રાફિક નિયમભંગ અંગેના ફોટા પોલીસને મોકલવામાં આવે છે તેની વિગતો પૂછતા મ્યુનિ.ને કંઇ ખાસ ફાયદો થતો નથી તેવો જવાબ મળ્યો હતો. તેવી જ રીતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાર્કિંગ માટેની જગ્યાઓ માટે બનાવડાવાયેલી પાર્કિંગ એપનો કેટલા લોકો ઉપયોગ કરે છે તેવા સવાલના જવાબમાં અધિકારીએ મોટાભાગના લોકો એપનો ઉપયોગ કરતાં નથી તેવુ કહેતાં કમિશનરે જે લોકો એપનો ઉપયોગ કર્યા વગર પાર્કિંગ કરવા આવે તેમને એપનો ઉપયોગ કરવાની ફરજ પાડવા સૂચના આપી હતી.મ્યુનિ.કમિશનરે હાઇરિસ્ક એરિયામાં પાણીજન્ય રોગચાળો વકરશે તો તેમજ જંકશન ડેવલપમેન્ટમાં થઇ રહેલા વિલંબ માટે જે તે ઝોનના ડે.કમિશનરને જવાબદાર ગણવાની ચેતવણી ઉચ્ચારી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay