Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પીલુદરા પાસે હાઇટેન્શન લાઇનની અચાનક શરૂ કરાયેલી કામગીરીના કારણે કલાકો ટ્રાફિક જામ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પીલુદરા પાસે હાઇટેન્શન લાઇનની અચાનક શરૂ કરાયેલી કામગીરીના કારણે કલાકો ટ્રાફિક જામ

નવગુજરાત સમય, અંકલેશ્વર

સ્પીડ અને સુવિધા માટે જાણીતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ નજીક હાઈટેન્શન લાઈનની કામગીરી અચાનક શરૂ કરી દેતાં હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા.

કોન્ટ્રાક્ટર દ્વારા એક્સપ્રેસ-વે પર કામગીરી શરૂ કરતા પહેલા કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

અચાનક જ એક્સપ્રેસ-વે પર હાઈટેન્શન લાઈનના વાયરો મૂકી કામ શરૂ કરી દેવાયું હતું. ગણતરીની મિનિટોમાં જ સુરત-વડોદરા અને વડોદરા-સુરત-નવસારી રૂટ પર વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. ભારે ટોલ ટેક્સ ચૂકવીને સિટીના ટ્રાફિકથી બચવા નીકળેલા વાહનચાલકો કલાકો સુધી હાઈવે પર બંધક બની ગયા હતા.

કલાકો સુધી અટવાયેલા મુસાફરો અને ડ્રાઈવરોનો પિત્તો ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ સ્થળ પર જઈ કોન્ટ્રાક્ટર અને તેના માણસોને આડે હાથ લીધા હતા. એક તબક્કે તો કેટલાક વાહનચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. વાહનચાલકોનો આક્ષેપ છે કે, અગાઉથી સૂચના કે વૈકલ્પિક રસ્તો આપ્યો હોત તો કિંમતી સમય ન બગડત.

સ્થાનિકોના કહેવા મુજબ ચોમાસાના વરસાદ બાદ એક્સપ્રેસ-વે પર ઠેર-ઠેર ખાડા પડ્યા છે. ખાડામાંથી મુક્તિ મળી નથી ત્યારે આયોજન વગરની આ કામગીરીએ મુસાફરોની મુશ્કેલી ડબલ કરી દીધી છે. ભારે બબાલ બાદ તંત્ર દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરી શરૂ કરતા પહેલા જાણકારી ન આપવા બદલ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay