Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિલ્હીની હોટેલમાં ભયાનક આગ 12 વિદેશી નાગરિકો સહિત 21 ભડથું

દિલ્હીની હોટેલમાં ભયાનક આગ 12 વિદેશી નાગરિકો સહિત 21 ભડથું

એજન્સી, નવી દિલ્હી

દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક ભીડભાડવાળી ગલીમાં ચાલતી એક હોટલમાં બુધવારે ભયાનક આગ ભભૂકી ઉઠતા 12 વિદેશી સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતાં. ઘાયલ થયેલા બીજા 19 લોકોની હાલત ગંભીર હતી. તેથી મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે. આ ઘટનામાં કુલ 58 લોકોને અસર થઈ હતી. વિદેશી નાગરિકોમાં આફ્રિકાના નવ અને તુર્કમેનિસ્તાનના બે નાગરિકો હતાં.

તેઓ પોતાના સંબંધીઓની નજીકની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દિલ્હી આવ્યાં હતાં. માલવિયા નગરના હૌઝ રાનીમાં ફ્લોરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ (બી એન્ડ બી)માં આગ સવારે 8.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને ઝડપથી પાંચ માળની ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. આ બિલ્ડિંગ ફાયર એનઓજી વગરની હતી અને તેમાં પ્રવેશ-બહાર નીકળવાનો માત્ર એક રસ્તો હતો. તેથી આ હોટેલ ડેથ ટ્રેપ બની ગઈ હતી. આગની જ્વાળાઓએ ખૂબ જ ઝડપથી પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે કેટલાંક ઊંઘી રહ્યાં હતાં. એક વીડિયોમાં કેટલાંક લોકો જીવ બચાવવા માટે સળગતી ઇમારતમાંથી કૂદતા મારતા જોવા મળ્યા હતાં. નીચે ગાદલા પાથરી દેવામાં આવ્યા હતા જેથી કૂદનારાઓને ઓછું નુકસાન થાય.

આ હોટેલને દિલ્હી સરકારની બેડ એન્ડ બ્રેકફાસ્ટ નીતિ હેઠળ ફક્ત છ રૂમની પરવાનગી હતી, પરંતુ તે 25 રૂમ ચલાવી રહી હતી. ભોંયરામાં પણ રૂમ બનાવવામાં આવ્યા હતાં.આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટ હતું જ્યારે બેઝમેન્ટ અને ઉપરના માળનો ઉપયોગ હોટેલ તરીકે થતો હતો. મેક્સ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી વિભાગમાં 39 દર્દીઓને લાવવામાં આવ્યાં હતા. આમાંથી 18 દર્દીઓને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે 15 દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં આઠ દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને તેમની હાલત ગંભીર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. જાનહાનિને દુ:ખદ ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના.પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સગા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતીં.

હોટેલ બિલ્ડિંગના માલિક લવકેશ બજાજની ધરપકડ કરાઈ

દિલ્હી પોલીસે હોટલ બિલ્ડિંગના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી હતી. પોલીસે અગાઉ બજાજ અને તેની પત્ની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યો હતો. ફાયર સેફ્ટી ચેકનો આદેશઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુએ રાજધાનીમાં તમામ હોટલ, નર્સિંગ હોમ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, રેસ્ટોરન્ટ અને અન્ય કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સલામતીના નિયમોનું પાલન માટે એક મહિનાની ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો હતો. AAPના દિલ્હી સરકાર પર પ્રહારઃ દિલ્હીમાં વારંવાર બનતી આગની ઘટનાઓ અને નિર્દોષ લોકોના મોતને અત્યંત ચિંતાજનક ગણાવીને આપના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીની ભાજપ સરકારની ટીકા કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું અને ઘટનાનો રીપોર્ટ માંગ્યો હતો.

કોંગોથી સંબંધીની સારવાર માટે દિલ્હી આવેલી યુવતીએ પણ જીવ ગુમાવ્યો

આ દુખદ ઘટનામાં આફ્રિકાના કોંગો દેશથી પોતાના એક સંબંધીની સારવાર માટે દિલ્હી આવેલી એક યુવતીએ પણ જીવ ગુમાવ્યો છે. મૃતક યુવતીની બહેને રડતા-રડતા જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં લાગેલી આગે તેની બહેનને હંમેશા માટે તેની પાસેથી છીનવી લીધી છે. આ માત્ર એક પરિવારની વ્યથા છે; આવા અનેક પરિવારોએ આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ખોયા છે. 6 રૂમની પરવાનગી છતાં

25 રૂમની હોટેલ ચાલતી હતી

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યાં એક હોટેલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી મળી હતી, પરંતુ નિયમોને નેવે મૂકીને ત્યાં 25 રૂમની ગેરકાયદેસર હોટલ ચલાવવામાં આવતી હતી. એટલું જ નહીં, ફાયર અને સેફ્ટી વિભાગ પાસેથી કોઈ એનઓસી પણ લેવામાં આવી ન હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી હોટેલમાં આવવા-જવા માટે માત્ર એક જ રસ્તો હતો.

બેઝમેન્ટમાં ગૂંગળામણથી અનેકનાં મોત

આ દુર્ઘટનાએ નિયમોના અમલીકરણમાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે. હોટેલ તેની ક્ષમતા કરતાં અનેકગણા વધારે મહેમાનોને સાચવી રહી હતી અને ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહી હતી. ઘણા પીડિતોના મોત ગૂંગળામણના કારણે થયા હતા, ખાસ કરીને જેઓ બેઝમેન્ટના ભાગમાં ફસાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઝમેન્ટમાં પણ ગેરકાયદેસર રૂમ ચલાવવામાં આવતા હતા.

'બિન-ઈરાદાપૂર્વક હત્યા'નો કેસ નોંધાયો

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટેલમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હતો. પોલીસે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ 'ગેરાઈરાદતન હત્યા'નો કેસ નોંધી લીધો છે. આમ પોલીસે હાલમાં હળવી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગ સામે રક્ષણ મેળવવા માટે હોટલમાં જરૂરી સાધનો ઉપલબ્ધ હતા કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay