Dailyhunt
​ડીસા ભાજપમાં 'બેનર વોર'  :   પૂર્વ સાંસદ-પૂર્વ MLAનાં નામ ગાયબ

​ડીસા ભાજપમાં 'બેનર વોર' : પૂર્વ સાંસદ-પૂર્વ MLAનાં નામ ગાયબ

નવગુજરાત સમય, ડીસા

ડીસા પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્પષ્ટ બહુમતીની સરકાર આવી છે ત્યારે ડીસા ભાજપમાં ચણભણાટ જોવા મળી રહી છે. શહેરમાં ઠેર-ઠેર લગાવવામાં આવેલા ચૂંટણીલક્ષી બેનરોમાં પક્ષના કદાવર નેતાઓની બાદબાકી કરાતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ​શહેરમાં લગાવાયેલા વિવિધ બેનરોમાં વેરહાઉસના પૂર્વ ચેરમેન મગનલાલ માળી,જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીઓ અમરતભાઈ દવે અને સંજયભાઈ બ્રહ્મભટ્ટના નામનો ઉલ્લેખ કરાયો છે.

પરંતુ આશ્ચર્યજનક રીતે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા અને પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના નામ ગાયબ જોવા મળ્યા છે.

શહેરના અન્ય જગ્યાની બેનરની વાત છોડો પણ ​સામાન્ય રીતે ડીસા પાલિકા કેમ્પસમાં વર્ષ દરમિયાન લાગતા તમામ હોર્ડિંગ્સમાં ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો, મુખ્ય નેતાઓ અને હોદ્દેદારોનો સમાવેશ કરાતો હોય છે. જોકે, આ વખતે પાલિકા કમ્પાઉન્ડમાં માત્ર એક જ પેનલનું બોર્ડ લગાવાતાં વિવાદે જોર પકડ્યું છે.

અગાઉની પરિસ્થિતિ મુજબ શહેરમાં કોઈ બેનર લાગે એટલે ભાજપના મોટા ગજાઓના નેતાના ફોટા તમામ બેનરોમાં લગાવવામાં આવતા હતા. પરંતુ ​વર્તમાન સ્થિતિમાં માત્ર ચોક્કસ જૂથ કે પેનલને જ પ્રાધાન્ય અપાતું હોવાનો આક્ષેપ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેથી પાલિકાની ચૂંટણી બાદ પણ હજુ ​આંતરિક જૂથબંધી સપાટી પર દેખાઈ રહી છે. ​ડીસા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી જૂથબંધી હવે જાહેરમાં બેનરો વાટે બહાર આવી છે. ​પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા અને પૂર્વ MLA શશીકાંત પંડ્યાના નામની બાદબાકી કરી ​પૂર્વ મહામંત્રીઓના નામ રખાતા સ્પષ્ટપણે ભેદભાવ રખાયો હોવાનો ગણગણાટ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay