Dailyhunt
એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ પેટે 387 કરોડની આવક થતાં નાણાં ભીડ અનુભવતાં મ્યુનિ.ને રાહત

એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ પેટે 387 કરોડની આવક થતાં નાણાં ભીડ અનુભવતાં મ્યુનિ.ને રાહત

નવગુજરાત સમય , અમદાવાદ

રાજ્યની સૌથી મોટી અને તોતિંગ બજેટકદ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય મહિનાઓથી નાણાકીય ભીડ અનુભવાઇ રહી છે, પરંતુ એપ્રિલ મહિનામાં એડવાન્સ ટેક્સ પેટે 387 કરોડની જંગી આવક થતાં જ વહીવટી તંત્રને રાહત થઇ છે અને બીજી બાજુ વેપારીઓ તથા કોન્ટ્રાક્ટરોને બાકી બિલો મળવાની આશા જાગી છે.

મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ ખાતાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત નાણાકીય વર્ષ 2025-26ના અંત પહેલાં પ્રોપર્ટી ટેક્સની બાકી વસૂલાત માટે વ્યાજમાફી યોજના જાહેર કરવામાં આવી હતી, હવે નવા નાણાકીય વર્ષના આરંભે પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો કરવા માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે અને તેમાં એપ્રિલ મહિનામાં જ 387 કરોડની જંગી આવક થવા પામી છે.

સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, પ્રોપર્ટી ટેક્સ ભરવામાં મોટાભાગે કોમર્શિયલ મિલકતધારકો આડોડાઇ કરતાં હોય છે, રહેણાક મિલકતના માલિકો તો રાબેતા મુજબ ટેક્સ ભરપાઇ કરતાં જ હોય છે. તેથી કોમર્શિયલ મિલકતધારકો પાસેથી બાકી ટેક્સ વસૂલ કરવા વ્યાજમાફી યોજના જાહેર કરાય છે તેવી જ રીતે પ્રમાણિક કરદાતા માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવે છે. જોકે, મ્યુનિ.ના અન્ય વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી મ્યુનિ.ની આર્થિક હાલત કફોડી બનતી જાય છે, તે જાણવા છતાં સત્તાધીશો તોતિંગ બજેટ મંજૂર કરીને વિવિધ પ્રકારના કામો મંજૂર કરી વર્કઓર્ડર આપી દઇ મ્યુનિ. તિજોરી ઉપર જવાબદારી નાખતાં જાય છે. મ્યુનિ.સત્તાધીશોએ વ્યાજમાફી યોજના અને પછી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી આવક રળવાનું શરૂ કર્યુ છે. નવા નાણાકીય વર્ષમાં 1લી એપ્રિલથી 1લી મે સુધીમાં મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ ખાતાને એડવાન્સ ટેક્સ પેટે 387 કરોડની જંગી આવક થઇ છે. ટેક્સ ખાતાના સૂત્રોએ વધુ માહિતી આપતાં કહ્યું કે, સાત ઝોનમાં પોણા ચાર લાખ લોકોએ એડવાન્સ ટેક્સ ભરપાઇ કરતાં તેમને 41.09 કરોડ રિબેટ આપવામાં આવ્યું છે. આ યોજના હજુ 31મી મે સુધી ચાલવાની છે અને ત્યાં સુધીમાં બીજા 300-400 કરોડની આવક મેળવવાની આશા વ્યક્ત થઇ રહી છે.

કયા ઝોનમાં કેટલી આવક( કરોડમાં)

ઝોન કરદાતા રિબેટ કુલ આવક

ઉ. પશ્ચિમ 93,873 10.78 100.24

પશ્ચિમ 90,629 10.39 94.53

દ. પશ્ચિમ 44,153 5.96 55.58

પૂર્વ 40,779 3.33 35.22

મધ્ય 37,479 5.44 50.17

દક્ષિણ 36,618 3.00 29.17

ઉત્તર 31,785 2.20 21.94

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay