નવી દિલ્હી: ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026ના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે અને ભારત હવે 125મા ક્રમે પહોંચી ગયું છે. ગયા વર્ષે એટલે કે 2025માં ભારત 124મા ક્રમે હતું, એટલે આ વર્ષે તે એક સ્થાન નીચે સરક્યું છે. વર્ષ 2021થી 2023 દરમિયાન ભારત 127મા ક્રમે હતું. ત્યારબાદ સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, પરંતુ ભારતીય પાસપોર્ટ હજુ પણ ટોપ 100 દેશોની યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી.
હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના માત્ર 26 દેશો અથવા પ્રદેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ભારતીય પાસપોર્ટનું આ રેન્કિંગ નામીબિયા, ફિલિપાઇન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશોથી પાછળ છે, જ્યારે અઝરબૈજાન અને કિર્ગિઝસ્તાન કરતાં ભારત હજુ પણ આગળ છે.
ભારતીય પાસપોર્ટ ધારકો ભૂટાન, નેપાળ, જમૈકા, મકાઉ, પેલેસ્ટાઇન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા કેટલાક દેશોમાં વિઝા વિના અથવા ત્યાં પહોંચ્યા પછી મળતા વિઝા-ઓન-અરાઇવલની સુવિધા સાથે પ્રવાસ કરી શકે છે. જોકે, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિત વિશ્વના લગભગ 88 મોટા દેશોમાં જવા માટે ભારતીયોને અગાઉથી વિઝા મેળવવો જરૂરી છે.
જો ભારતના પડોશી દેશોની વાત કરીએ તો આ યાદીમાં ચીન 104મા ક્રમે રહી સૌથી આગળ અને મજબૂત સ્થિતિમાં છે. ભારત ભલે 125મા ક્રમે હોય, પરંતુ દક્ષિણ એશિયાના તેના ઘણા પડોશી દેશોની સરખામણીએ તેની સ્થિતિ વધુ સારી છે. આ
યાદીમાં બાંગ્લાદેશ 166મા, નેપાળ 164મા અને પાકિસ્તાન લગભગ સૌથી નીચલા ક્રમોમાંથી એક એવા 188મા સ્થાને છે.
ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026ના સૌથી શક્તિશાળી ટોપ 10 પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં સંપૂર્ણપણે યુરોપિયન દેશોનું પ્રભુત્વ જોવા મળે છે, જે વૈશ્વિક પ્રવાસની સુવિધાઓમાં યુરોપની મજબૂત સ્થિતિ દર્શાવે છે. વિશ્વના બે મોટા દેશો અમેરિકા અને ફ્રાન્સ થોડા અંતરથી ટોપ 10માં સ્થાન મેળવી શક્યા નથી અને બંને સંયુક્ત રીતે 11મા ક્રમે છે. જ્યારે કેનેડા આ યાદીમાં 13મા સ્થાને છે. આમ, વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની બાબતમાં યુરોપિયન દેશો હજુ પણ સૌથી આગળ છે.

