Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Rain  :   વલસાડ શહેર બેટમાં ફેરવાયું, નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું

Gujarat Rain : વલસાડ શહેર બેટમાં ફેરવાયું, નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું

વામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આંકડા પર નજર કરીએ તો અહેવાલો અનુસાર વલસાડમાં સવારે બે કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડતાં શહેર બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કાવેરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રોડ નદીમાં ફેરવાઈ ગયા છે અને ઘણા વિસ્તારો તરબોળ થઈ ગયા છે.

બીજી તરફ નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું હોય તેમ સવારે બે કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પવનની ગતિ ૪૦થી ૫૦ કિલોમીટર રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા આદેશ અપાયા છે.

સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં ખેતરો ચારે તરફ વરસાદી પાણીથી તરબોળ થઈને બેટમાં ફેરવાઈ ગયા છે. તાલાલામાં ગાળિયાવડ રોડ ઉપર વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષની તોતિંગ ડાળ તૂટી પડી હતી, જેના કારણે વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેશોદની જાણીતી નોળી નદી ભારે પાણીના પ્રવાહને કારણે બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે સોંદરડા ગામ ખાતે આવેલો ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે.

રાજ્યના 160 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 60થી વધુ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઓલપાડમાં 3.70 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં 2.95 ઈંચ, વડોદરાના સિનોરમાં 2.95 ઈંચ, દાહોદના ગરબાડામાં 2.68 ઈંચ, ભરૂચના હાંસોટમાં 2.28 ઈંચ, વાલિયામાં 2.05 ઈંચ, અરવલ્લીના બાયડમાં 2.01 ઈંચ, મહિસાગરના વિરપુરમાં 1.85 ઈંચ, દાહોદના ફતેપુરામાં 1.77 ઈંચ, અરવલ્લીના સાઠંબામાં 1.77 ઈંચ, મહિસાગરના કોઠંબા અને કડાણામાં 1.69 ઈંચ, સુરતના માંગરોળમાં 1.61 ઈંચ, ભરૂચના વાગરામાં 1.42 ઈંચ, દાહોદના ઝાલોદમાં 1.38 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay