નવગુજરાત સમય. આણંદ
ગુજરાતના સ્થાપના દિવસની પહેલી મે ગૌરવ દિવસની બોચાસણ ખાતે આવેલા વલ્લભ વિદ્યાલયમા ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત ગુજરાતને સ્વતંત્ર રાજય બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનાર મૂઠી ઉંચેરા માનવી, મૂકસેવક પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્થળની કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી અને પેટલાદ ધારાસભ્ય કમલેશ પટેલે મુલાકાત લઇ સમાધિ સ્થળ ઉપર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જણાવ્યું હતું કે પૂજ્ય રવિશંકર મહારાજ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજોપયોગી કાર્યોને કારણે તેઓ મૂક લોકસેવક પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા હતા. પૂજ્ય રવિશંકર મહારાજ એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા હતા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યુ હોવાનું ઉમેર્યું હતું. પૂજ્ય રવિશંકર મહારાજે તેમનું સમગ્ર જીવન સમાજસેવામાં સમર્પિત કરી તેઓ સતત ચાલતા રહ્યા હતા તેમ જણાવી તેમણે પૂ. રવિશંકર મહારાજ સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા હોવાનું પણ કહ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદી મળ્યા બાદ પૂ. રવિશંકર મહારાજ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા હતા. તેમણે ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને કરોડો રૂપિયા અને કિંમતી જમીનો દાનમાં મેળવી હતી અને તેના કારણે જ તેઓને 'કરોડપતિ ભિખારી'જેવું ઉપનામ મળ્યું હોવાનું જણાવ્યું હતું.તેમણે દેશસેવામાં મૂઠી ઊંચેરા માનવી એવા પૂ. રવિશંકર મહારાજની સમાધિ સ્થળની મુલાકાત લઇને પૂ. રવિશંકર મહારાજને શ્રધ્ધાસમુન અર્પણ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી .
ગુજરાત રાજ્યના સ્થાપના દિને સમાધિ સ્થળે ગુજરાત વિધાપીઠ સંચાલિત સંસ્થાઓના સંચાલકો, કર્મચારીઓ, સામાજિક આગેવાનો , ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના જીલ્લા અધ્યક્ષ જશુભા ઠાકોર તેમજ બોરસદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ આનંદ લાગણી વ્યક્ત કરીને મહાનુભાવોએ અને આગેવાનોએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પૂજ્ય રવિશંકર મહારાજ સમાધિ સ્થળની મુલાકાતને સરાહનીય ગણાવી આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

