એજન્સી, એટલાન્ટા
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં મંગળવારે રમાયેલી આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચેની રાઉન્ડ ઓફ 16ની મેચ અત્યંત રોમાંચક રહી હતી, જેમાં આર્જેન્ટિનાએ 3-2 થી જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એટલાન્ટા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ફૂટબોલ ઇતિહાસની યાદગાર મેચ પૈકીની એક બની ગઈ હતી કેમ કે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના એક સમયે 0-2થી પાછળ હતું.
આ સમયે લિયોનલ મેસ્સીની એક પેનલ્ટી કિક પણ નિષ્ફળ રહી હતી. ઇજિપ્તના ગોલકીપર અદભૂત કામગીરી બજાવીને કેટલાક ગોલ રોક્યા હતા.
ઇજિપ્તે મેચની શરૂઆતમાં જ દબદબો બનાવ્યો હતો. 15મી મિનિટે યાસેર ઇબ્રાહિમે શાનદાર હેડર દ્વારા ગોલ કરીને ઇજિપ્તને 1-0 ની સરસાઈ અપાવી હતી. પ્રથમ હાફમાં લિયોનેલ મેસ્સીને પેનલ્ટી કિક મળી હતી, પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજો ગોલ 67મી મિનિટે મોસ્તફા ઝિકોએ કર્યો હતો અને ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી. મેચની 78મી મિનિટે આર્જેન્ટિનાએ વળતો પ્રહાર કર્યો હતો. મેચની અંતિમ 15 મિનિટમાં આર્જેન્ટિનાએ આક્રમક રમત બતાવી: 78મી મિનિટે ક્રિસ્ટિયન રોમેરોએ ગોલ કરીને સ્કોર 1-2 કર્યો હતો તો 83મી મિનિટે લિયોનેલ મેસ્સીએ ગોલ કરીને સ્કોર 2-2 થી બરાબર કરી દીધો. મેચના ઇન્જરી ટાઇમમાં (90+2 મિનિટ) એન્ઝો ફર્નાન્ડીઝે વિનિંગ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2 થી જીત અપાવી હતી. આ જીત સાથે, આર્જેન્ટિના હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડ અથવા કોલંબિયા સામે ટકરાશે.

