IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સના નિરાશાજનક પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યા સાથે ફ્રેન્ચાઇઝના સંબંધોને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. ખાનગી સમાચાર એજન્સીના એક રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા હવે આગામી સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ બનવા માંગતો નથી અને તેણે સીઝન વચ્ચે જ ટીમ મેનેજમેન્ટને પોતાના નિર્ણયની જાણ કરી દીધી હતી.
IPLના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "હાર્દિક સતત દબાણ અને નબળા પરિણામોથી ખૂબ જ પરેશાન હતો.
તે માનસિક રીતે તણાવમાં હતો અને સંપૂર્ણપણે થાકી ગયો હતો. તેને પીઠમાં પણ ઈજા થઈ હતી. પ્લેઓફની આશાઓ ઠગારી નીવડી કે તરત જ તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી કે તે હવે ટીમ સાથે રહેશે નહીં." હાર્દિકે 2024માં રોહિત શર્મા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.
જોકે, કેપ્ટનશીપ બદલાયા બાદથી તેને ચાહકો તરફથી સતત ટીકા અને બૂમોનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રએ સમજાવ્યું, "એ સમજવું મહત્વપૂર્ણ છે કે હાર્દિક ફક્ત 32 વર્ષનો છે. તે 2024માં 30 વર્ષની ઉંમરે મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો હતો. આ નિવેદન કેપ્ટનશીપ બદલાવના સંદર્ભમાં આવ્યું છે જેમાં હાર્દિક પંડ્યાએ ખૂબ જ લોકપ્રિય રોહિત શર્માને બદલ્યો હતો.
છેલ્લી બે સીઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સની ઘણી મેચો દરમિયાન હાર્દિક પંડ્યાને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે આનાથી પ્રભાવિત થયો હોય તેવું લાગતું હતું, ત્યારે તેણે હંમેશા કહ્યું કે "આ સફર મુશ્કેલ રહી છે, પણ રસપ્રદ પણ છે." IPLના એક સૂત્રના જણાવ્યા અનુસાર, હાર્દિકની ધીરજ આખરે ખૂટી ગઈ છે.

