Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાયદાનું પાલન કરાવનારા ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએઃ સુપ્રીમ કોર્ટ

કાયદાનું પાલન કરાવનારા ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએઃ સુપ્રીમ કોર્ટ

એજન્સી, નવી દિલ્હી

મુસાફર પાસેથી ખંડણી પડાવવાના કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓના આગોતરા જામીન ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કાયદાના રક્ષકો ખંડણીખોર બને ત્યારે નાગરિકો શંકાની નજરે જુએ છે અને મૂંઝવણ અનુભવે છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદચંદ્રનની બેન્ચે બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપાયેલા હુકમને રદ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ સાથે નોંધ્યું હતું કે, યુનિફોર્મ પહેરેલા સત્તાધિકારી ખંડણી પડાવવા માગતા હોય ત્યારે વિરોધ કરવાના પ્રયાસથી આકરો બદલો મળે છે અને તેથી નમતું જોખ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

પ્રસ્તુત કેસમાં, ફરિયાદી પોતાની દીકરી સાથે મુંબઈથી હાપા દુરન્તો એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમને સ્ટેશને મૂકવા જમાઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓએ રેલવે સ્ટેશન પર તેમને અટકાવ્યા હતા અને સામાન તપાસ્યો હતો. મુસાફરના સામાનમાંથી 14 ગ્રામ સોનાનું બિસ્કિટ અને રોકડા રૂ.31,900 મળી આવ્યા હતા. રોકડ અને સોના અંગે સંતોષજનક રજૂઆત કરવા છતાં વર્દીધારીઓ આ ત્રણેયને નજીકના એક રૂમમાં લઈ ગયા હતા. પરિવારના ત્રણેય સભ્યોનું અપમાન કર્યું હતું અને સોનાનું બિસ્કિટ છોડવાના બદલામાં રોકડ પડાવી લીધી હતી.

આ મામલે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ત્રણ પોલીસ કર્મચારીઓના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. હાઈકોર્ટે તપાસ દરમિયાન મળેલા સીસીટીવી ફૂટેજ જોયા પછી ત્રણ પોલીસ કર્મચારીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી અને તેમની દીકરીના ચહેરા પર કોઈ તણાવ જોવા મળતો ન હતો. વળી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો અને પોલીસ કર્મચારીઓની ફરજ દરમિયાન કરેલી કામગીરી બદલ ફરિયાદ થયેલી હતી.

હાઈકોર્ટે આપેલા ચુકાદાને આશ્ચર્યજનક ગણાવતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં તેમના હાવ-ભાવ સ્પષ્ટ જોઈ શકાતા નથી અને હાઈકોર્ટે તેમના ચહેરા પર તણાવ ન હોવાનું નોંધ્યું હતું. ફૂટેજ મુજબ બે પુખ્ત વયની વ્યક્તિ આગળ ચાલી રહી છે અને એક બાળક તેમની પાછળ છે. આ પૈકી એક પુખ્ત વયની વ્યક્તિ પોતાના હાથથી વિચિત્ર અભિવ્યક્તિ કરે છે, જે સ્પષ્ટપણે તણાવ દર્શાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay