Monday, 13 Jul, 5.23 pm નવગુજરાત સમય

અન્ય શહેરો - ગુજરાત
કોરોના કેસોમાં વધારો થતાં કડોદરા નગરમાં ચુસ્તપણે લોકડાઉનનો અમલ થાય તે માટે મિટિંગ યોજાઇ

નવગુજરાત સમય,બારડોલી

પલસાણા તાલુકામાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધવાથી હવે કડોદરા નગરપાલિકા સાથે તાલુકાની કેટલીક ગ્રામપંચાયતો દ્વારા બપોર પછી દુકાનો બંધ રાખી લોકડાઉન તરફ વળ્યા છે. અને આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ કડોદરા નગર ખાતે આરોગ્ય અધિકારી, પોલીસ સ્ટાફ, અને ચીફ ઓફિસરની હાજરીમાં એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કડોદરા નગર ગીચ વિસ્તાર છે તેમજ અંહી પરપ્રાંતથી આવતા લોકો મોટી સંખ્યામાં રહે છે. કડોદરા નગરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં કડોદરા પાલિકાના કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર દ્વારા નગરમાં માર્કેટનો સમય સવારે 8 થી સાંજે 4 વાગ્યાનો કરાયો છે. તેમ છતાં ઘણી જગ્યાએ લોકો પોતાની દુકાનો તેમજ ચા-નાસ્તાની લારી ખોલી ત્યાં ટોળું ભેગું કરતાં હોય છે. જેથી આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર, કડોદરાના પોલીસ અધિકારી, આરોગ્ય અધિકારી અને વેપારીઓ સાથે નગરના પ્રમુખ સીમાબેન તેમજ કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઇ દ્વારા એક મિટિંગ યોજવામાં આવી હતી. અને નગરમાં સવારે 8 થી 4 વાગ્યા બાદ કડક લોકડાઉનનું અમલ થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે તે અંગે મિટિંગ કરી આગામી દિવસોમાં પોલીસની સાથે રહી કડકાઇથી પાલન થાય તે દિશામાં કાર્યવાહી કરવા અંગે મિટિંગ યોજાઇ હતી.

પલસાણામાં બપોરે 2 વાગ્યા બાદ માર્કેટ-દુકાનો બંધ

પલસાણા ગામમાં પણ ઝીંગા ફેક્ટરીમાં કામ કરતાં લોકો દ્વારા તેમજ સુરતથી અપડાઉન કરતાં લોકો ગામમાં કોરોનાનું સંક્રમણ વધારતા હોવાનું જણાતા પલસાણા ગ્રામ પંચાયતે પણ એક મહત્વનો નિર્ણય લઈ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ માર્કેટ-દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પલસાણા તાલુકામાં આજે માત્ર 6 કેસ નોંધાયા

પલસાણા તાલુકામાં આજરોજ ગંગાધરા, વરેલી, કરણ, ચલથાણ થઈ તાલુકામાં કુલ 6 કેસ નોંધાયા હતા. જેમાં ગંગાધરા ખાતે આવેલ સાઈ વાટિકામાં 39 વર્ષીય યુવાન અને ગિરનાર ફળિયામાં 52 વર્ષીય આધેડ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જ્યારે જોળવા આરાધના ખાતે 30 વર્ષીય યુવક અને ચલથાણ સુગર ક્વાટર્સમાં 31 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કરણ ગમે એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરેલી દેસાઇ ફળિયામાં 68 વર્ષીય વૃધ્ધને કોરોનાના લક્ષણો દેખાતા તાલુકામાં કુલ 6 કેસ નોંધાયા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top