Wednesday, 05 Aug, 10.25 am નવગુજરાત સમય

અન્ય સમાચાર
માસ્ક ન પહેરનારાને રૂ 1000થી રૂ 5000 સુધીનો દંડ કરો: હાઇકોર્ટ

નવગુજરાત સમય > અમદાવાદ

- કોરોનાની મહામારીના મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો કાર્યવાહીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ટેસ્ટિંગના મુદ્દે સરકારની નીતિની હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. ખંડપીઠે આદેશમાં ગંભીર નોંધ લીધી છે કે,'કોરોનાની મહામારીને અટકાવવા માટે ટેસ્ટિંગ સૌથી અગત્યના છે. ICMR, WHO, સ્વાસ્થ્ય મંત્રાલય અને દુનિયાભરના દેશો વધુમાં વધુ ટેસ્ટિંગ કરાવવા પર હાલના તબક્કે ભાર આપી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે પણ મહત્તમ ટેસ્ટ કરવાની બાબત જ કેન્દ્રસ્થાને છે. ત્યારે કોરોનાના ટેસ્ટ કરાવવાની યાદીમાં ગુજરાત સૌથી નીચલા ક્રમે કેમ છે. સરકાર જોડે આ સવાલ કોઇ વ્યાજબી જવાબ પણ નથી. તેથી સમગ્ર રાજ્યમાં એક સપ્તાહ સુધી કોરોનાના રેન્ડમ ટેસ્ટ કરો અને કોરોના વાયરસના સંક્રમણનું રાજ્યનું અસલી ચિત્ર રજૂ કરો.' એ ઉપરાંત માસ્ક ન પહેરનારને રૂ. ૧૦૦૦થી ૫૦૦૦ સુધીનો દંડ કરવા માટે પરિપત્ર જારી કરવા સરકારને હાઇકોર્ટે આદેશ કર્યો છે.

હાઇકોર્ટે સમગ્ર મામલે આદેશ કરતાં ટેસ્ટિંગ મુદ્દેની સરકારની દલીલને નકારી કાઢતાં નોંધ્યું છે કે,'સરકારની દલીલ છે કે ટેસ્ટ્સ ૭૦ ટકા જ સચોટ હોય છે. તેથી ટેસ્ટ ઓછાં કરવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર વિશ્વ મહત્તમ ટેસ્ટ પર ભાર આપી રહ્યું હોય ત્યારે રાજ્ય સરકારે પણ આ મુદ્દે નિષ્ણાંતોની મદદ લઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.' આ તરફ રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી સમયસર સારવાર નહીં મળતા દર્દીના મોતના કિસ્સામાં રાજ્ય સરકારે મગજનો ઉપયોગ કર્યો છે કે કેમ એવો આશ્ચર્ય હાઇકોર્ટે વ્યક્ત કરતાં નોંધ્યું છે કે,'રાજસ્થાન હોસ્પિટલમાં અત્યંત દુખદ અને કમનસીબ ઘટના બની હતી અને દર્દીનું સારવારના અભાવે મૃત્યુ થયું હતું. આ મામલે સરકારના જવાબથી અમે સહેજ પણ સંતુષ્ટ નથી. હોસ્પિટલને તંત્રએ ૭૭ લાખનો દંડ તો કર્યો પરંતુ આજદિન સુધી એ રૂપિયાની રિકવરી કરી નથી. અમે જાણવા માગીએ છીએ કે સરકાર દંડ કઇ રીતે કઇ પદ્ધતિથી રિકવર કરવા માગે છે. લીગલ નોટિસ મોકલીને ખુલાસો માંગવો પર્યાપ્ત નથી. અમને શંકા છે કે સરકારે હોસ્પિટલના સીસીટીવી તપાસ્યા છે કે કોઇ તપાસ શરૂ કરી છે કે કેમ. જે અધિકારીની ભૂલથી ઘટના બની એની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી નથી અને કોઇ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર આ મામલો ગંભીરતાથી લઇ કાર્યવાહી કરે અને આગામી સુનાવણીએ રિપોર્ટ રજૂ કરે.' સુરતમાં વધતા કેસો મુદ્દે પણ હાઇકોર્ટે સરકારના મોડા રિસ્પોન્સની નોંધ લીધી છે અને એક વિસ્તૃત રિપોર્ટ ૧૭મી ઓગસ્ટે રજૂ કરવાનો આદેશ કરી કેસની સુનાવણી ચોથી સપ્ટેમ્બરે મુકરર કરી છે.

કોરોનાની મહામારીમાં સરકાર લોકોને ખુશ રાખ‌વા 'બ્રાઉની પોઇન્ટ્સ' જીતવામાં ન પડે

હાઇકોર્ટે સરકારને કહ્યું છે કે,'સરકાર હાલના તબક્કે બીજું બધું ભૂલીને માત્રને માત્ર નાગરિકોના જીવનની સુરક્ષા અંગે જ વિચારે. આવા તબક્કે દરેકને રાજી રાખવું કદાચ અશક્ય છે, પરંતુ સત્ય કડવું લાગે તેમ છતાંય બોલવું જ પડશે. તેથી સરકારે બધું ભૂલીને લોકોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવી પડે. સરકારે આકરા નિર્ણયો લેવા પડે, કાર્યવાહી કરવી પડે. સરકારના આકરા નિર્ણયોની ટીકા શક્ય છે પરંતુ અંતે તો કોઇનું જીવન જ બચાવશે. આ માર્ગ અઘરો છે, પરંતુ માન અને પ્રતિષ્ઠાથી ભરેલો છે. લોકોને ખુશ રાખી 'બ્રાઉની પોઇન્ટ્સ' જીતવું એ માત્ર શરમજનક જ નહીં પરંતુ અત્યંત જોખમી પણ છે. લોકોની ભાવનાઓને માન આપીને ધાર્મિક અને સામાજિક સમારોહને મંજૂરી અપાશે તો કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થશે અને હજારો લોકો સંક્રમિત થશે. જો એવું થશે તો લોકો સારવાર લેવા ક્યાં જશે? શું આપણી પાસે પુરતી દવાઓ, પથારીઓ કે તબીબો છે? આપણું સ્વાસ્થ્યનું માળખું કડડભૂસ થઇ જશે. અતિ વિકરાળ નુકસાન થઇ શકે અને એટલા જીવ ગુમાવવા પડી શકે કે જેની ભરપાઇ કરી શકાશે નહીં.'

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top