નવગુજરાત સમય, અંકલેશ્વર
મેઘરાજાની પહેલી જ ધમાકેદાર એન્ટ્રી સાથે જ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગત રોજ પડેલા માત્ર 89 મિમિ એટલે કે 3.7 ઇંચ વરસાદમાં જ અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઇવે બંધ કરવાની નોબત આવી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને નવા આમલાખાડી બ્રિજના કામ માટે જૂનો બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો. તેના સ્થાને બનાવેલો કામચલાઉ વૈકલ્પિક રસ્તો આમલાખાડી ઓવરફ્લો થતાં જ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો.
રસ્તો ધોવાતાં જ હાઇવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
સ્થિતિ સંભાળવા તંત્રએ કડકીયા કોલેજ પાસેના સાંકડા અને કામચલાઉ બ્રિજ તરફ ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. પરંતુ ત્યાંથી માત્ર ટુ-વ્હીલર અને કાર જેવા નાના વાહનોને જ પસાર થવા દેવાઈ રહ્યા છે. સરકારી એસટી બસો અને મોટા ભારદારી વાહનો માટે આ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. હાંસોટ જવા માટે હવે આ ભારે વાહનોને ગ્રામ્ય વિસ્તારના આંતરિક રસ્તાઓ થઈને 10 થી 15 કિલોમીટરનો ફેરો ખાવો પડી રહ્યો છે.
વિકાસના કામો વચ્ચે ચોમાસામાં યોગ્ય આયોજનના અભાવે જનતાને હેરાન થવું પડી રહ્યું છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, જો પહેલા જ વરસાદમાં આ હાલત છે તો આખું ચોમાસું કેવી રીતે નીકળશે?

