Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'મેડ ઇન ઇન્ડિયા - અ ટાઇટન સ્ટોરી'માં દેશની લોકપ્રિય ઘડિયાળ બનાવવાની પ્રેરણાદાયી કહાની

'મેડ ઇન ઇન્ડિયા - અ ટાઇટન સ્ટોરી'માં દેશની લોકપ્રિય ઘડિયાળ બનાવવાની પ્રેરણાદાયી કહાની

'મેક ઇન ઇન્ડિયા' સરકારનું સત્તાવાર સુત્ર બન્યા તેના ઘણાં વર્ષો પહેલાં, ભારતમાં બનેલી એક વિશ્વસ્તરની ઘડિયાળે આ વિચારને સાચા અર્થમાં સાકાર કર્યો હતો. ભારતની પ્રથમ ક્વાર્ટ્ઝ ઘડિયાળ ટાઇટન, જે ટાટા ગ્રુપ દ્વારા ભારતીયો માટે ભારતમાં બનાવવામાં આવી હતી, તે 1980ના દાયકાના અંતમાં લોન્ચ થઈ હતી.

તે સમયે બજારમાં HMT જેવી લોકપ્રિય બ્રાન્ડનું પ્રભુત્વ હતું અને લોકો ઘડિયાળમાં ચાવી ભરવાની આદત ધરાવતાં હતાં.

આવા સમયમાં ટાઇટનને પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ મુસાફરીમાં મળેલી નિષ્ફળતાઓ અને સફળતાઓની કહાની અત્યંત રસપ્રદ છે. વ્યક્તિગત જુસ્સો, ટીમવર્ક અને ટાટા ગ્રુપનાં મજબૂત સમર્થનથી આ સફળતા શક્ય બની હતી. પ્રખ્યાત ઉદ્યોગપતિ ઝેરેક્સિસ દેસાઈનાં આકર્ષક નેતૃત્વ હેઠળ અને જે.આર.ડી. ટાટાનાં માર્ગદર્શન હેઠળની ધ ટાઇટન સ્ટોરી- વિશ્વાસ, ટેક્નોલોજી, ઉદ્યોગસાહસિકતા અને મજબુત મૂલ્યોની કહાની રજૂ કરે છે. આ સિરીઝ વિનય કામથના પુસ્તક પરથી પ્રેરિત છે.

છ એપિસોડની આ સિરીઝમાં જિમ સરાભ ઝેરેક્સિ દેસાઈની ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે નસિરુદ્દીન શાહ જેઆરડી ટાટાની ભૂમિકામાં છે. ઝેરક્સિસ પોતાની મુખ્ય ટીમ તૈયાર કરે છે, જેમાં તેમના મિત્ર આકાશ બન્સલ (વૈભવ તત્વવાદી), તેજસ્વી આઈઆઈટી ગ્રેજ્યુએટ ગૌરવ ધર (લક્ષવીર સિંહ સરન) અને પ્રતિબદ્ધ મેઘા મહાત્રે (કાવેરી સેઠ) સામેલ છે. સૌનો એક જ હેતુ છે - એકએવી ઘડિયાળ બનાવવી જે ભારતીયોની સમય જોવાની રીત બદલી નાખે. દરેક 45 મિનિટના 6 એપિસોડની સિરીઝમાં ઘડિયાળનાં વિવિધ ભાગો કેવી રીતે તૈયાર થાય છે અને એસેમ્બલ થાય છે તે રસપ્રદ રીતે બતાવવામાં આવ્યું છે. સાથે જ ઝેરક્સિસનાં કેટલાંક ખોટા નિર્ણયો અને ત્યારબાદ પોતાની ભૂલ સ્વીકારવાની ક્ષમતા પણ દર્શાવવામાં આવી છે.

ડોક્યુમેન્ટરી જેવી લાગણી ટાળવા માટે નિર્માતાઓએ ઘણા લોકપ્રિય હિન્દી ગીતોનો ઉપયોગ કર્યો છે, જેમ કે સર જો તેરા ચકરાયે, જિંદગી એક સફર હૈ સુહાના અને જિંદગી કૈસી હૈ પહેલી હૈ વગેરે. આ ગીતો નોસ્ટેલ્જિયાનો અહેસાસ કરાવે છે. ઘડિયાળ બનાવવાની કહાનીને રસપ્રદ રીતે રજૂ કરવાના કારણે આ સિરીઝમાં એક અલગ આકર્ષણ છે. આ સિરીઝ આપણને, જ્યારે લોકો સમય જોવા માટે ખરેખર ઘડિયાળ પહેરતાં હતાં એ સમયની યાદ અપાવે છે. નસીરુદ્દીન શાહ અને જિમ સરભના દમદાર અભિનય તથા સમગ્ર કાસ્ટનાં મજબુત પ્રદર્શનના કારણે સિરીઝ અંત સુધી રસ જાળવી રાખે છે. આ સિરીઝ રોબી ગરેવાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay