Dailyhunt
મેડિકલઃ નીટમાં બાયોમેટ્રિક્સ વેરિફિકેશન ન થાય તો પણ પરીક્ષા આપવાની મંજૂરી

મેડિકલઃ નીટમાં બાયોમેટ્રિક્સ વેરિફિકેશન ન થાય તો પણ પરીક્ષા આપવાની મંજૂરી

નવગુજરાત સમય , અમદાવાદ

ધો.12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આગામી 3જીના રોજ લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાનારી આ પરીક્ષા માટેની ગાઇડલાઇન પણ જાહેર કરી દેવાઈ છે. દર વર્ષે બાયોમેટ્રિક્સ હાજરીને લઇને ભારે પરેશાની થતી હોય છે. આ સ્થિતિમાં ચાલુ વર્ષે બાયોમેટ્રિક્સનું વેરિફિકેશન ન થાય તો પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

જોકે, વિદ્યાર્થીએ સ્થળ પર જ લેખિત બાંયેધરી આપવાની રહેશે. આ નિર્ણયના કારણે દર વર્ષે નડતી મુશ્કેલીમાંથી વિદ્યાર્થીઓને રાહત મળશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 3જી મેના રોજ મેડિકલમાં પ્રવેશ માટે નીટ લેવાશે. આ પરીક્ષા માટે અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દર વર્ષે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ચકાસણીમાં બાયોમેટ્રિક્સ હાજરીને લઇને ભારે વિવાદ થતાં હોય છે. કેટલીક વખત ટેકનિકલ ક્ષતિ અથવા તો વિદ્યાર્થીઓની આંગળાની છાપ ન મળવાના કારણે બાયોમેટ્રિક્સ હાજરી થઇ શકતી નહોતી. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાથી વંચિત પણ રહેવું પડતું હતું. દર વર્ષે બાયોમેટ્રિક્સ હાજરીને લઇને વિવાદ પણ ઊભો થતો હતો. જોકે, હવે આગામી 3જી મેના રોજ લેવાનારી નીટ પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષાને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પરીક્ષાખંડમાં પ્રવેશ લેતાં પહેલા વિદ્યાર્થીઓ બાયોમેટ્રિકસ પ્રક્રિયામાંથી પસાર થવું ફરજિયાત છે. પરંતુ અનેક કિસ્સાઓમાં ટેકનિકલ ક્ષતિ અથવા તો બાયો મેટ્રિકની નબળી ગુણવત્તા, કનેક્ટિવિટી અથવા તો જે તે ઉમેદવારની આંગળીની છાપ ન મળવી અથવા તો શારીરિક અસમર્થતાના કારણે પણ બાયોમેટ્રિક્સ થઇ શકતી નથી. સામાન્ય રીતે આ પ્રકારની મુશ્કેલીઓ બાદ જડવલણ અપનાવીને વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. જેના કારણે અનેક વખત ભારે વિવાદ પણ ઊભા થતાં હતા. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એવી સ્પષ્ટતા કરી છે કે, મશીનની ખામી સહિતની કોઇપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય અને બાયોમેટ્રિક્સ ન થઇ શકે તો પણ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. પરંતુ જે તે વિદ્યાર્થીઓે સ્થળ પર જ લેખિત બાંયેધરી સબમીટ કરાવવાની રહેશે. કયા પ્રકારની બાંયેધરી આપવી તેનું ફોર્મેટ પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ પરથી જ આપવામાં આવશે. આ પ્રકારની લેખિત બાંયેધરી લીધા બાદ જે તે વિદ્યાર્થીને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવાનો રહેશે. એટલે કે હવે બાયોમેટ્રિકસને લઇને હવે કોઇ વિદ્યાર્થીને પરીક્ષા આપતાં અટકાવી શકાશે નહીં. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની એકાગ્રતા જાળવવા માટે બપોરે 2થી 5 સુધી બાયોમેટ્રિકસને લઇને હેરાન કરવામાં આવશે નહી તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

મેડિકલના વિદ્યાર્થીઓને રજા ન આપવાનો વિવાદ વકર્યો

મેડિકલમાં પ્રવેશ માટે આગામી 3જી મેના રોજ નીટ લેવામાં આવશે. આ નીટ પહેલા શનિવાર અને રવિવારે મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રજા ન આપવા માટે નેશનલ મેડિકલ કમિશને કરેલા પરિપત્રને લઇને હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. રવિવારે રજાના દિવસે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ પૂરી રાખવા કોઇપણ રીતે યોગ્ય ન હોવાથી આગામી દિવસોમાં મેડિકલ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત પણ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay