Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ME-M.Tech.માં હવે 50 ટકા બેઠક ખાલી હોય તો જ ફરી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે

ME-M.Tech.માં હવે 50 ટકા બેઠક ખાલી હોય તો જ ફરી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે

નવગુજરાત સમય ,અમદાવાદ

રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ અંતર્ગત ઇજનેરી-ફાર્મસી સહિતના કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ ઇજનેરી સહિતના કોર્સમાં જે તે બ્રાન્ચમાં 30 થી વધારે બેઠકો ખાલી હોય તેમાં જ બીજીવખત પ્રવેશ ફાળવવામાં આવશે તેવું નક્કી કરાયું હતુ. જોકે, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે નવા નિયમ પ્રમાણે પી.જી.ના જે કોર્સમાં કુલ બેઠકના 50 ટકા કે તેથી વધારે બેઠકો ખાલી હોય તેમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ટેકનિકલ શિક્ષણમાં વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની જોગવાઇ કરવાં આવી છે. કાઉન્સિલની સૂચના પ્રમાણે રાજ્યમાં પણ ડિગ્રી ઇજનેરી સહિતના યુ.જી. અને પી.જી.કોર્સમાં પણ વર્ષમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે કયા કોર્સમાં બીજી વખત પ્રવેશ આપી શકાય તેના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા જેમાં અંડર ગ્રેજયુએશન કોર્સ એટલે કે ઇજનેરી-ફાર્મસીમાં જે બ્રાન્ચમાં 30થી વધારે બેઠકો ખાલી પડી હોય તેમાં જ બીજી વખત પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતી હતી.

આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ 30 બેઠકો ખાલી હોય તો જ બીજી વખત પ્રવેશ ફાળવવો તેવા નિયમોને અમલ કરવામાં આવતો હતો. સૂત્રો કહે છે કે, પોસ્ટ ગ્રેજ્યુએશનના એમ.ઇ.-એમ.ફાર્મ કે એમ.ટેક જેવા કોર્સમાં કુલ બેઠકો જ 30 હોય તેવી સ્થિતિમાં 30 બેઠકો ખાલી પડે તો જ બીજી વખત પ્રવેશ ફાળવવો તેવા નિયમનો કોઇ અર્થ રહેતો નહોતો. જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા BIANNUAL Admission મા ખાલી બેઠકોની ગણતરીને લઇને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવેપછી એમ.ઇ.-એમ.ટેક અભ્યાસક્રમની વિદ્યાશાખાદીઠ 50 ટકા કે તેથી વધુ બેઠકો નોન-એલોટેડ હોય અને જાન્યુઆરી પ્રવેશ માટે મંજુર કરાવેલી હોય તેવી બેઠક પર બીજી વખત પ્રવેશ ફાળવણી કરવામાં આવશે.સરકારી કોલેજો માટે પ્રવેશ સમિતિ દ્વારા બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે સ્વનિર્ભર કોલેજોએ પોતાની રીતે કોલેજસ્તરે બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરીને વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ પ્રવેશની યાદી સમિતિ પાસે મંજુર કરાવવાની રહેશે. આમ, હવે ડિગ્રી ઇજનેરીમાં જે તે બ્રાન્ચમાં 30 બેઠકો ખાલી હોય તો અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50 ટકા બેઠકો ખાલી હોય તો બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay