નવગુજરાત સમય , અમદાવાદ
મ્યુનિ.માં અનેક મહિલા કોર્પોરટરો ખાલી નામ પૂરતા જ ચૂંટાતા હોવાનું અને પછી સઘળો વહીવટ તો તેમના પતિદેવ જ કરતાં હોવાનુ વર્ષોથી ચાલ્યુ આવે છે, તેમ છતાં શહેર ભાજપ અને મ્યુનિ. ભાજપ આંખ આડા કાન કરે છે. વેજલપુરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પણ બે પતિદેવ હાજર રહેવાના કિસ્સા અંગે મહિલા કોર્પોરેટરોનો ખુલાસો માગીશું તેવી સ્પષ્ટતા મ્યુનિ.
ભાજપ નેતા જશુભાઇ ઠાકોરે કરી હતી.
મ્યુનિ. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિ.માં જ્યારે એક બેઠક મહિલા માટે અનામત રાખવમાં આવતી હતી, ત્યારે પણ આ દશા હતી અને હવે દરેક વોર્ડમાં બે બેઠક મહિલા માટે અનામત રાખવા પાછળ મહિલા સશક્તિકરણનો ઇરાદો જળવાતો નથી તે વાસ્તવિકતા છે. મહિલા અનામતનો લાભ લઇને પ્રદેશ, શહેર નેતાગારી અને ધારાસભ્યો તેમજ સાંસદો તેમના માનીતા કાર્યકરની જગ્યાએ તેમના પત્નીને ટિકિટ અપાવીને પોતાનાને સાચવી રહ્યાં છે. વાસ્તવમાં ભાજપ મહિલા મોરચામાં વર્ષો સુધી કામ કર્યુ હોય તેવી કેટલી મહિલાઓને ટિકિટ આપવામાં આવી તે તપાસવામાં આવે તો આ પોલ પકડાઇ જાય તેમ છે.
પોતે કોર્પોરેટર ના બની શક્યા હોય તેવા કાર્યકરોની પત્નીને ટિકિટ મળે એટલે પછી તમામ પ્રકારનો વહીવટ આ મહિલા કોર્પોરેટરોના પતિદેવો કરતાં હોય છે, કેટલાક ઉત્સાહી જીવો તો તમામ બેઠકોમાં પણ એકલા કે પછી પત્ની સાથે હાજર રહેતાં હોય છે. મ્યુનિ.માં બહુ ઓછી મહિલા કોર્પોરેટર એવી છે કે, જેમના પતિદેવ ચંચૂપાત કરતાં હોતા નથી.
તાજેતરમાં વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરની અધ્યક્ષતામાં યોજાયેલી સરખેજ વોર્ડની બેઠકમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરની જગ્યાએ તેમના પતિદેવ હાજર હોવાની બાબતે વિવાદ સર્જાયો હતો, તેમ છતાં ધારાસભ્યે તેનો બચાવ કર્યો હતો. આ મામલે મ્યુનિ.ભાજપ નેતા જશુભાઇ ઠાકોરને પૂછવામાં આવતાં પહેલાં તો તેઓ ખચકાયા હતા અને પછી તેમણે કહ્યું કે, આ બાબતે બે મહિલા કોર્પોરેટરનો ખુલાસો પૂછવામાં આવશે અને તમામ મહિલા કોર્પોરેટરોને તમામ કાર્યક્રમ કે મીટિંગમાં ફરજીયાત હાજર રહેવા અને પતિદેવોને નહિ મોકલવાની સૂચના આપવામાં આવશે.

