નવગુજરાત સમય, રાજપીપળા
રાજપીપળા રેન્જ ફોરેસ્ટની ટીમોએ જંગલ વિસ્તારમાંથી લુપ્ત થતી પ્રજાતિઓમાંની એક પાટલા ઘોના શિકારીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા નથી.
રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.જે. વાંદા અને તેમની ટીમ 3 જુલાઈના રોજ નાંદોદ તાલુકાના આમલેથા નજીક રિઝર્વ ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
પેટ્રોલિંગ પૂર્ણ કરી ટીમ જંગલ બહાર નીકળી રહી હતી ત્યારે થેલી અને મોટા રૂમાલ સાથે ત્યાંથી પસાર થઈ રહેલા પાંચ લોકોને શંકાસ્પદ હાલતમાં જોતા વન વિભાગની ટીમે તેમને આંતરી ઊભા રાખ્યા હતા. આ દરમિયાન ચાર લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે સણદરા ગામનો બારીયા મોવાશી વસાવા ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલા વ્યક્તિની થેલી અને રૂમાલની તપાસ કરતા શિકાર કરેલી હાલતમાં નવ પાટલા ઘો મળી આવ્યા હતા. આરોપીઓએ ભેગા મળી રિઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેન્ટ નંબર 110માં વગર પરવાનગીએ ઘુસી પાટલા ઘોનો શિકાર માત્ર પોતાના ખોરાક માટે કર્યો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટલા ઘો વન્ય પ્રાણી સંરક્ષણ શિડ્યૂલ-1 હેઠળ આવતું વન્ય પ્રાણી છે. તેનો શિકાર કરવો ગુનો બને છે. જેથી ફોરેસ્ટ અધિકારીએ બારીયા મોવાશી વસાવા અને ચાર ફરાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.જે. વાંદાએ બારીયા મોવાશી વસાવાને કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા નથી.

