Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NH-56 પર 7 બ્રિજ ક્રિટિકલ  :   ફેરકુવા-છોટાઉદેપુર-બોડેલી રોડ પર 30 ટનથી વધુ ભારે વાહનો પર 30 દિવસ પ્રતિબંધ

NH-56 પર 7 બ્રિજ ક્રિટિકલ : ફેરકુવા-છોટાઉદેપુર-બોડેલી રોડ પર 30 ટનથી વધુ ભારે વાહનો પર 30 દિવસ પ્રતિબંધ

નવગુજરાત સમય, છોટાઉદેપુર

જાહેર સલામતીના ભાગરૂપે ફેરકુવા-છોટાઉદેપુર-બોડેલી રોડ એટલે કે નેશનલ હાઇવે-56 પર આવેલા જર્જરિત બ્રિજોને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા 30 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા હસ્તકના NH-56 પરના જૂના બ્રિજોના કન્સલ્ટન્ટ પંકજ એમ.

પટેલ, અમદાવાદ દ્વારા વિગતવાર નિરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. તપાસ બાદ અહેવાલમાં આ રોડ પરના કુલ 7 બ્રિજ ક્રિટિકલ હોવાનું માલૂમ પડ્યું છે. ક્રિટિકલ જાહેર કરાયેલા સાત બ્રિજમાં છ મેજર બ્રિજ આવે છે. જેમાં ફેરકુવા, સોકતા, સુવાલ, ઓરસંગ, ઝરવા અને એની મેજર બ્રિજ-1નો સમાવેશ થાય છે. જ્યારે વસવા માઇનોર બ્રિજનો પણ સમાવેશ થાય છે.

30 ટનથી વધુ વજન ધરાવતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બોડેલીથી અલીરાજપુર તરફ જનારા વાહનો માટે બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ, અલીરાજપુર તથા અલીરાજપુરથી બોડેલી તરફ આવતા વાહનો માટે અલીરાજપુર, કવાંટ, રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈ બોડેલી જવાનું રહેશે.

આ જાહેરનામું આજથી આગામી 30 દિવસ સુધી અમલમાં રહેશે. આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા વાહનચાલકોને સલામતીના હેતુથી સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay