નવગુજરાત સમય , અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે તાજેતરમાં ગાંધીનગર ખાતેની સભામાં દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવાનો હુંકાર કર્યો હતો. અમિતભાઇ શાહના હુંકારના ગણતરીના દિવસોમાં જ એટલેકે મંગળવારની રાતથી ગુજરાતભરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ઓપરેશન ડેલ્ટા હંટ હેઠળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરની સૌથી મોટી ગેરકાયદે વસાહત ગણાતા ચંડોળા તળાવમાં મહિનાઓ પહેલા હાથ ધરાયેલી મેગા ડ્રાઇવ અને ડીમોલીશન દરમિયાન મોટાપ્રમાણમાં બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ ડીપોર્ટ કરાયા હતા. જો કે હવે બાંગ્લાદેશીઓએ માત્ર અમદાવાદ જ નહી પણ સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાં ફરીથી વધુ પ્રમાણમાં વસવાટ શરૂ કર્યાનો રિપોર્ટ મળતા જ ગૃહવિભાગે મંગળવારે રાત્રે સમગ્ર રાજ્યમાં ઓપરેશન ડેલ્ટા શરૂ કર્યું હતું. અમદાવાદ શહેરમાં ક્રાઇમબ્રાંચની અધ્યક્ષતામાં ઓપરેશન ડેલ્ટા હંટ હેઠળ સાયબર ક્રાઇમ, એસઓજી, સ્થાનિક પોલીસ, EOWના અધિકારીઓ-કર્મચારીઓની કુલ 30 ટીમોએ મંગળવારે રાત્રે 8 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં બાતમી આધારે અનેક વિસ્તારોમાં સર્ચ કર્યુ હતું. પોલીસની ટીમોએ દાણીલીમડા, નારોલ, નરોડા, સરખેજ, જુહાપુરા, ઓઢવ, સોલા, ઇસનપુર, પિરાણામાંથી કુલ 300 શંકાસ્પદ લોકોને ડિટેન કર્યા હતા. જેમાં 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઇ છે. તેમની પાસેથી આધારકાર્ડ મળી આવતા એજન્ટો અને નકલી ડોક્યુમેન્ટ બાબતે પોલીસે તપાસ તેજ કરી છે.
ગુજરાતભરમાં ઘૂસણખોરી કરીને રહેતા લોકો પર તવાઇ લાવવા માટે મંગળવારથી જ કવાયત હાથ ધરાઇ હતી. ગૃહ વિભાગની મીટિંગ બાદ મંગળવારે વિવિધ શહેરો અને જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓએ મીટિંગ યોજીને જે તે શહેર કે જીલ્લામાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા લોકોને શોધી કાઢવા ઓપરેશન ડેલ્ટા હંટ શરૂ કર્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીઓના અધિકારીઓ સાથે મંગળવારે સાંજે મીટિંગ યોજી હતી. ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંગલની અધ્યક્ષતામાં અન્ય એજન્સીઓ અને સ્થાનિક પોલીસ સહિત 30 ટીમોએ બાંગ્લાદેશીઓને શોધવાનું શરૂ કર્યુ હતું. પોલીસે દાણીલીમડા, નારોલ, નરોડા, સરખેજ, જુહાપુરા, ઓઢવ, સોલા, ઇસનપુર, પિરાણા સહિતના વિસ્તારોમાં સર્ચ કર્યુ હતું. જેમાં કુલ 300 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકોને ક્રાઇમબ્રાંચે ખાતે લાવીને પ્રાથમિક તપાસ કરાતા તેમની પાસેથી આધારકાર્ડ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ 300માંથી 166 લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ઘૂસણખોરી કરીને શહેરમાં રહેતા 95 મહિલાઓ, 41 પુરુષો અને 30 બાળકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ગેરકાયદે ઘૂસણખોરોનો આંકડો 200ને પાર થાય તેવી શક્યતા છે. કમિશનર જી. એસ. મલિકે અટકાયત કરાયેલા લોકોની પૂછપરછ કરતા કેટલાક લોકોએ એજન્ટોના નામ સહિતની વિગતો આપતા પોલીસે સમગ્ર રેકેટ બાબતે તપાસ હાથ ધરી છે.
ગેરકાયદે રહેતા લોકો હવે એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે
પોલીસ અધિકારીઓનું માનવું છે કે ચંડોળા વિસ્તારમાં કરાયેલી કડક કાર્યવાહી બાદ ગેરકાયદે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે. તેઓ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલો, કામદારોના રહેઠાણો અને વ્યાવસાયિક સ્થળોમાં પોતાની ઓળખ બદલીને રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણસર હવે પોલીસ માત્ર ચંડોળા સુધી મર્યાદિત ન રહીને સમગ્ર શહેરમાં એકસાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મોટાભાગના લોકો વટવા, રામોલ, ઓઢવ, નરોડા, દાણીલીમડા, નારોલ ગણેશનગરમાં રહેવા લાગ્યા છે.
ઓપરેશન દરમિયાન દોડધામ મચી
પુર્વના એક વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં જ્યારે પોલીસની ટીમો પહોંચી ત્યારે ત્યાં સ્પા સેન્ટરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓ બાંગ્લાદેશી હોવાથી નાસભાગ મચી જવા પામી હતી. કેટલાક વિસ્તારોમાં પોલીસની કાર્યવાહીથી ફફડાટ ફેલાઇ જતા લોકો રેલવે સ્ટેશન કે બસસ્ટેશન તરફ નાસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જોકે, જ્યાં જ્યાં શંકાસ્પદ લોકો દેખાયા ત્યાં ત્યાં પોલીસે આઈડી પ્રૂફ ચેક કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
એજન્ટોની વિગતો મળતા તપાસ તેજ
અમદાવાદ શહેર પોલીસે યોજેલા ઓપરેશન બાદ 300 લોકોની અટકાયત કરાઇ હતી. જેમાં મોટાભાગના લોકોની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે કેટલાક એજન્ટોના નામ અને વિગતો ખુલવા પામી છે. આ એજન્ટોએ નકલી આધારકાર્ડ બનાવી આપ્યા, રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનો રોલ ભજવ્યો હોવાનું જણાતા પોલીસે આ એજન્ટોની વિગતો એકત્રિત કરીને તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે બાંગ્લાદેશથી ગુજરાતમાં લાવતા એજન્ટોની ચેઇન બાબતે પણ તપાસ શરૂ કરાશે.
કેટલાક લોકો છ-આઠ માસથી આવીને વસ્યા
આ ઓપરેશન દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે ચંડોળા તળાવ ઓપરેશન બાદ મોટાભાગના લોકો વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા રહેવા લાગ્યા હતા. જ્યારે કેટલાક લોકો ગેરકાયદે ઘુસી આવીને છ-આઠ માસથી અમદાવાદ શહેરમાં રહે છે. આ લોકો કયા એજન્ટ મારફતે અહીં આવ્યા અને કયા એજન્ટોએ અહીં વસવામાં મદદ કરી તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
વર્ષ 2025માં 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા
પોલીસ કમિશનર અને ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વર્ષ 2025માં ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવાનું ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં એજન્ટની ધરપકડ કરીને તેનું આલીશાન ફાર્મહાસ તથા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેસીપી શરદ સિંગલના જણાવ્યા મુજબ ગત વર્ષે સૌથી મોટુ ઓપરેશન હાથ ધરીને 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે.
ઘૂસણખોરો સામેનું ઓપરેશન જારી રહેશે
ચંડોળામાં ઓપરેશન હાથ ધરાયા બાદ મોટાભાગના લોકો નારોલ ગણેશનગર, ઓઢવમાં નાસી ગયા હતા અને ત્યાં ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા. ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીઓની ટીમોએ બિરદાવવાલાયક કામગીરી કરી છે. બાંગ્લાદેશીઓ ક્યારે આવ્યા, ક્યારે બોર્ડર ક્રોસ કરી, કેટલા સમયથી અહીંયા રહે છે, ક્યાં રહે છે, કયા એજન્ટે વ્યવસ્થાઓ કરી આપી તે તમામ મુદ્દા પર તપાસ કરાશે. હાલ 160 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોના આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘૂસણખોરો સામેનું ઓપરેશન યથાવત્ રહેશે.
જી. એસ. મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર
નાણાં કોલકાતાથી બાંગ્લાદેશ મોકલતા
300 પૈકી 166 લોકો બાંગ્લાદેશથી ગેરકાયદે ઘૂસણખોરી કરીને અમદાવાદમાં રહેતા હોવાની પુષ્ટિ થઇ છે. પ્રાથમિક તપાસમાં મહિલાઓ સ્પા સેન્ટર અને દેહવ્યાપાર સાથે જોડાયેલી તથા પૂરુષો વિવિધ પ્રકારની મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. ઓપરેશન ચંડોળા બાદ લોકો વિવિધ વિસ્તારોમાં ઓળખ બદલીને રહેતા હતા. ઘૂસણખોરો અહીંથી કમાઇને આંગડિયા કે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે નાણાં કલકત્તા અને ત્યાંથી બાંગ્લાદેશ મોકલતા હોવાની વિગતો મળી છે. ખોટા ડોક્યુમેન્ટ અને નાણાંકીય વ્યવહારોનું કામ કરતા કેટલાક એજન્ટોની માહિતીઓ મળતા તે મુદ્દે તપાસ શરૂ કરાશે. ગેરકાયદે વસવાટ કરતા લોકોને ડિપોર્ટ કરાશે. શરદ સિંગલ, જેસીપી, ક્રાઇમ બ્રાંચ
જિલ્લામાંથી 200 લોકોની અટકાયત, 34ની પુષ્ટિ
અમદાવાદ ગ્રામ્યના અસલાલી, કણભા, વિવેકાનંદનગર, સાણંદ, વિરમગામ સહિતની જગ્યાએ વિવિધ ટીમોએ તપાસ કરી હતી. જેમાં કુલ 200 લોકોની અટકાયત કરીને તેમના આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે. 200 પૈકી 34 લોકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું સામે આવ્યુ છે. ઓમપ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય

