નવગુજરાત સમય , અમદાવાદ
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં સક્રિય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મહમ્મદ'ના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કરાયો છે. ATSએ કડી કોર્ટમાં પકડાયેલા 8 આરોપીને રજૂ કરીને દેશની આંતરિક સલામતીને જોખમાવતા આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા માટે 14 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી. જેમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, પાકિસ્તાની હેન્ડલર 'શાયરી બાઝ' સાથે સીધો સંપર્ક અને કાશ્મીરી કનેક્શન છે, પાકિસ્તાની હેન્ડલર સાથેના કનેક્શન અને આતંકી ફંડિંગના સ્રોત શોધવાની
તજવીજ હાથ ધરાઇ છે, મૌલાના મસુદ અઝહરના ઉર્દૂ સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરી યુવાનોને આતંકવાદ તરફ ધકેલવાનું મોટું કાવતરું હતું સહિતના મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. કડી કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મહમ્મદ'ના 8 આરોપીને એટીએસએ ઝડપી લીધા છે. ત્યારે ATSની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આરોપીઓ છેલ્લા પાંચ મહિનાથી 'જૈશ-એ-મહમ્મદ'ની વિચારધારાને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે ગુજરાતમાં સક્રિય હતા. આ મોડ્યુલ પાકિસ્તાનમાં બેઠેલા જૈશના હેન્ડલર અબ્દુલ્લા ઉર્ફે 'Shayri Baj' સાથે સીધા સંપર્કમાં હતું. આ ઉપરાંત, વડોદરા ખાતે આ આરોપીઓ એક અજ્ઞાત કાશ્મીરી ઇસમને પણ મળ્યા હોવાનું ખુલ્યું છે. બીજી તરફ ઝડપાયેલા 8 આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં સરકારી વકીલ જેકી ઓઝા, બચુભાઇ પ્રજાપતિ હાજર રહ્યાં હતા.
કોર્ટમાં રિમાન્ડ અરજી અંગે દલીલ કરવામાં આવી હતી કે, આ કાવતરામાં પકડાયેલા આરોપીઓ સાથે બીજા કોણ કોણ સંડોવાયેલ છે, તેઓના પૂરા નામ, સરનામા તથા મોબાઇલ નંબર જાણવાના છે, આરોપીઓએ ગુજરાતમાં તથા ગુજરાત બહાર બીજા કયા કયા ઇસમોને આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનમાં સભ્ય તરીકે જોડાવા માટે પ્રેરિત કર્યા છે કે સલાહ આપી છે?, વોન્ટેડ આરોપી અબ્દુલ્લાનું પૂરું નામ-સરનામું મેળવવું તેમજ આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મહમ્મદ'નો ખરેખર હેન્ડલર કોણ છે તેનું નામ અને મોબાઈલ નંબર જાણવોનો છે, આરોપીઓએ સંગઠનની આતંકવાદી પ્રવૃત્તિને આગળ ધપાવવા માટે કોઈ ભંડોળ (ફંડ) એકઠું કર્યું છે કે કેમ? તેમજ કોઈ હથિયારો કે દારૂગોળો ખરીદ્યો છે કે કેમ?, આરોપીઓએ ગુજરાતમાં કે ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્ય આચરવા માટે કોઈ ચોક્કસ જગ્યાની રેકી (નિરીક્ષણ) કરેલ છે કે કેમ?, ભારત સરકાર સામે ગુનાહિત બળથી ધાક બેસાડવાનું કાવતરું રચવા પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે?, આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા મોબાઈલ ફોનના CDR (કોલ ડિટેઈલ રેકોર્ડ) તથા અન્ય ટેકનિકલ ડેટા મેળવી, તેમને સાથે રાખીને સામસામે પૂછપરછ કરવી છે, આરોપીઓએ આતંકવાદી સંગઠનને લગતું સાહિત્ય કોઈ જગ્યાએ સંતાડ્યું છે કે કેમ? તેમજ તેઓએ બનાવેલો 'જૈશ-એ-મહમ્મદ'નો ઝંડો ક્યાં છુપાવ્યો છે તે શોધીને કબ્જે કરવોનો છે આરોપીઓએ અગાઉ કોઈ આતંકવાદી હુમલાને અંજામ આપેલો છે કે કેમ? આરોપીઓ પાકિસ્તાનમાં રહેતા જૈશ-એ-મહમ્મદના કયા કયા આકાઓ/હેન્ડલરોના સીધા સંપર્કમાં છે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની હોવાથી 14 દિવસના રિમાન્ડ આપવા જોઇએ.આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
મુસ્લિમ યુવકોને આતંકવાદમાં ધકેલવાના પ્રયાસો મામલે તપાસ થશે
મૌલાના મસૂદ અઝહરના ઉર્દૂ સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરી મુસ્લિમ યુવકોને આતંકવાદમાં ધકેલવાના બહુ મોટા કાવતરાનો પર્દાફાશ થતાં આરોપીઓ દ્વારા અથવા તો જૈશ એ મોહમંદના મોડયુલ થકી ગુજરાત કે દેશના અન્ય રાજ્યોના મુસ્લિમ યુવકોને આતંકવાદમાં ધકેલવાના સંપર્કો અને પ્રયાસો થયા છે કે કેમ તે દિશામાં એટીએસએ બહુ ગંભીર તપાસ શરૂ કરી છે. મસૂદ અઝહરના જેહાદી ઉશ્કેરણીજનક ભાષણો અને તેના સાહિત્યો થકી મુસ્લિમ યુવકોનું બ્રેઇન વોશ કરી તેમને આતંકવાદના ખપ્પરમાં હોમવાનું ખતરનાક કાવતરું હતું.
આ આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરાઇ
1. અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (ઉં.વ. ૧૯, રહે. ભાગળ, પાલનપુર)
2. ઇબ્રાહીમ મામદહુશેન ઘઘા (ઉં.વ. ૩૦, રહે. ભાગળ, પાલનપુર)
3 મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા (ઉં.વ. ૨૩, રહે. ભાગળ, પાલનપુર)
4. જકરીયા મોહમદ અમ્માર ઘઘા (ઉં.વ. ૨૦, મૂળ રહે. દેવાસ, MP, હાલ જામીયા અબુલહસન મદ્રેસા, સિદ્ધપુર)
5. મોહમદ અમીન શેરા (ઉં.વ. ૨૨, રહે. જામીયા અબુલહસન મદ્રેસા, સિદ્ધપુર)
6. ફૌઝાન ઇસ્માઇલ દાઉવા (ઉં.વ. ૪૦, મુફ્તી- જામીયા અબુલહસન મદ્રેસા, સિદ્ધપુર)
7. મોહમદ અબ્દુલ રહેમાન સાઉદી (ઉં.વ. ૨૦, રહે. જામીયા રહેમાનીયા ખાંભીયા મદ્રેસા, નવસારી)
8. બિલાલ મહોમદ અમ્મર ઘઘા (ઉં.વ. ૧૮ , રહે. દેવાસ, મધ્યપ્રદેશ)

