નવગુજરાત સમય, અંકલેશ્વર
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક ટંકારીયા ગામમાં ચાલતા જુગારધામ પર ભરૂચ LCBએ દરોડો પાડી જુગાર રમતા અને રમાડતા 19 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 17 મોબાઇલ ફોન, પ્લાસ્ટિકના જુગારના ટોકન સહિત કુલ રૂ.2,42,315નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જુગારધામમાં ખેલાડીઓ પાસેથી એન્ટ્રી ફી ઉપરાંત કલાકના ટેબલ ચાર્જની વસૂલાત કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, ભરૂચ LCBને બાતમી મળી હતી કે ટંકારીયા ગામના ગોડર સ્ટ્રીટ વિસ્તારમાં રહેતો રફીક સુલેમાન સાપા પોતાના જૂના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવે છે. તે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે LCBની ટીમે જરૂરી વોરંટ મેળવી પંચોને સાથે રાખીને મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 19 લોકો પોલીસના હાથે ઝડપાયા હતા.
પોલીસ તપાસમાં રફીક સાપા જુગારધામનો મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે. જુગારધામમાં આવતા ખેલાડીઓ પાસેથી રૂ.500 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી. ત્યારબાદ રોકડ રકમના બદલામાં અલગ-અલગ મૂલ્યના પ્લાસ્ટિક ટોકન આપવામાં આવતા હતા. આ ટોકન રૂ.20, રૂ.50, રૂ.100 અને રૂ.200ના મૂલ્યના હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ ઉપરાંત ખેલાડીઓ પાસેથી દર કલાકે રૂ.500 ટેબલ ચાર્જ પણ લેવામાં આવતો હતો. આ રીતે પ્લાસ્ટિકના ટોકન અને ટેબલ ચાર્જની વ્યવસ્થા દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે રૂ.1,16,815 રોકડા, વિવિધ કંપનીના 17 મોબાઇલ ફોન, 151 પ્લાસ્ટિક ટોકન કોઈન, પ્લાસ્ટિક તથા સ્ટીલની ટોકરીઓ, પાથરણાં, જુગાર બોર્ડ અને પત્તાની કેટ સહિત કુલ રૂ.2,42,315નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે રફીક સુલેમાન સાપા, લતીફ ઇસ્માઇલ રબદા, ફિરોઝ અમીર શેખ, આસીફ કાસમ મલેક, હારૂન ઇબ્રાહીમ સુતરીયા, જીતેશ પરસોત્તમ માછી, ભીખા કેસુર વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઇસ્માઇલ બાલા, અયુબ ઇસ્માઇલ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઇબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઇબ્રાહીમ પટેલ, ફારૂક ઇસ્માઇ કાપડીયા, ઈમરાન ઇબ્રાહીમ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનને ઝડપી પાડ્યા હતા.
દરોડા દરમિયાન થયેલી નાસભાગમાં યાવર હુસેન ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. LCBએ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ પાલેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

