નવગુજરાત સમય, વડોદરા
વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે કાપડના વેપારી પર થયેલા ફાયરિંગ પાછળ સાત સમુદ્ર પાર ફિજીથી રચાયેલું આંતરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરા ગ્રામ્ય પોલીસના 'ઓપરેશન પરાક્રમ'માં છત્તીસગઢના ભિલાઈથી બે રીઢા શાર્પ શૂટરની ધરપકડ સાથે આખું નેટવર્ક ભાંગી પડ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તારીખ 26 જૂન 2026ની રાત્રે ગારમેન્ટ્સ વેપારી આશિષકુમાર મદનલાલ બાકોલીયા તેમની દુકાનેથી કારમાં વાઘોડિયા રોડ તેમના ઘરે જઈ રહ્યા હતા, હનુમાનપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.
ગોળી જમણા ખભા પર વાગતાં તેઓ ગંભીર ઘાયલ થયા હતા.
ઘટનાની ગંભીરતા જોતાં LCB, SOG સહિત દસ ટીમો બનાવવામાં આવી હતી. ટીમો દ્વારા બે હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળી બાઇકનો નંબર ટ્રેક કર્યો હતો. જે દરમિયાન એક મેડિકલ સ્ટોરમાંથી એક આરોપીનો સ્પષ્ટ ફોટો મળી આવ્યો હતો. આમ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓનો પીછો કરી છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલાઓમાં વિક્રમ પ્રતાપ ગોપીચંદ સિંહ (રહે. ભિલાઈ, છત્તીસગઢ. સોપારી લેનાર) તથા ગુરૂજીત સિંહ ઉર્ફે બંટી (રહે. ભિલાઈ. રીઢો શાર્પ શૂટર. સામે 19 ગુના નોંધાયેલા)નો સમાવેશ થાય છે. તેઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ, બે મેગેઝીન અને દસ કારતુસ કબજે કર્યા છે.
આજીપી સંદીપ સિંઘના જણાવ્યા મુજબ, ભોગ બનનાર આશિષકુમાર ફિજીમાં દયાલ સ્ટીલ કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે અઢી વર્ષ અગાઉ કામ કરતો હતો. કંપની માલિક જય દયાલ સાથે નાણાકીય વિવાદ થયો હતો. જેનો બદલો લેવા જય દયાલે ફિજીથી બેસીને સોપારી આપી હતી. જેના ભાગરૂપે હવાલા મારફતે વિક્રમની પત્નીના એકાઉન્ટમાં અત્યાર સુધીમાં ₹2.72 લાખ ટ્રાન્સફર થયા હતા. વિક્રમે ગુરૂજીતને ફાયરિંગ માટે ₹50,000ની સોપારી આપી હતી.
ગત મે-જૂનમાં બંને આરોપીઓ આઠ વખત છત્તીસગઢથી વડોદરા આવ્યા. રેલ્વે સ્ટેશન પાસે મેરૂ હોટેલ અને હોટેલ સતલજમાં રોકાયા હતા. વેપારીનો પીછો કરવા તરસાલી વિસ્તારમાં બંસલ મોલમાં સિનેમા-મોલમાં પણ ગયા હતા. વડોદરામાં તેઓએ પરિવાર ચાર રસ્તા પાસે આવેલા પૂજા કોમ્પલેક્ષમાં તથા બંસલ મોલમાં 'જિંદગી વન્સ મોર' અને 'ધુરંધર' ફિલ્મ પણ જોઈ હતી. પોલીસથી બચવા હેલ્મેટ-માસ્ક પહેરીને ફરતા હતા. ગત 26 જૂનની રાત્રે મોકો મળતાં ફાયરિંગ કરી ભાગી ગયા. વિક્રમ એક જુલાઈએ ફિજી ભાગવાની ફિરાકમાં હતો, તે પહેલાં જ પોલીસે ઝડપી લીધો હતો.
હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. ફિજીમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર જય દયાલને ભારત લાવવા ઇન્ટરપોલ અને લુક આઉટ નોટિસની તજવીજ શરૂ છે.

