Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM મોદીનું ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન  :   11 કરાર, $5 અબજના વેપારનો ટાર્ગેટ

PM મોદીનું ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન : 11 કરાર, $5 અબજના વેપારનો ટાર્ગેટ

એજન્સી, તાશ્કંદ

ડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના પ્રેસિડન્ટ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે રવિવારે તાશ્કંદમાં દ્વિપક્ષીય બેઠક પછી ભારત અને ઉઝબેકિસ્તાને પોતાના સંબંધોને 'સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી'માં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. બંને દેશોએ 2030 સુધીમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનું ટાર્ગેટ નિર્ધારિત કરીને યુરિયન સપ્લાય સહિત 11 કરારો પર હસ્તાક્ષર કર્યાં હતાં.

બંને દેશોએ ખાણકામ, સંસ્કૃતિ, શિક્ષણ, પ્રવાસન અને આયુર્વેદ સહિતના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 11 કરારો પર હસ્તાક્ષર કર્યા હતાં. નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહયોગને અનુરૂપ ઉઝબેકિસ્તાનમાંથી ભારતને લાંબા ગાળાનો યુરેનિયમનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે એક માળખું સ્થાપિત કરવાની પણ સંમતિ થઈ હતી. મોદી અને મિર્ઝિયોયેવ વચ્ચેની વાતચીતમાં વેપાર, રોકાણ, માળખાગત સુવિધાઓ, મહત્વપૂર્ણ ખનીજો, ખાણકામ, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય, માહિતી ટેક્નોલોજી, UPI સહિતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી.

મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોએ 2030 સુધીમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્‍ય રાખ્યું છે. હાલમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 1 અબજ ડોલરથી વધુ છે.

બંને નેતાઓએ ભારત-ઉઝબેકિસ્તાનના વ્યૂહાત્મક સંબંધોને સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી અને વ્યાપક ક્ષેત્રમાં સહયોગ દર્શાવે છે.

મોદીએ કહ્યું હતું કે ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાના કેન્દ્રસ્થાને છે અને આ મધ્ય એશિયા સાથે ભારતના જોડાણના કેન્દ્રમાં પણ છે. ભારત-ઉઝબેકિસ્તાનની વધુ મજબૂત ભાગીદારી મધ્ય એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક શક્તિશાળી બળ બની શકે છે.

ભવિષ્યના સહયોગના મહત્વાકાંક્ષી એજન્ડા અંગે મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો પોતાના સંરક્ષણ ઉદ્યોગોને સૈન્ય સાધનોના સહ-વિકાસ અને સહ-ઉત્પાદન તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરશે. દેશો વચ્ચેનો ગાઢ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ ઊંડો પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. ભવિષ્યમાં અમે બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સીધા જોડાણ, સહ-ઉત્પાદન અને સહ-વિકાસને પ્રોત્સાહન આપીશું.

ઉઝબેકિસ્તાનમાં આવેલા ફયાઝ ટેપા અને કારા ટેપા બૌદ્ધ સ્થળોના પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે પણ બંને દેશો વચ્ચે સંમતિ થઈ હતી. દક્ષિણ ઉઝબેકિસ્તાનમાં આવેલા આ પ્રાચીન બૌદ્ધ મઠો સિલ્ક રોડ મારફતે બૌદ્ધ ધર્મના પ્રસાર અને મધ્ય એશિયામાં તેના વિકાસનો ઐતિહાસિક પુરાવો આપે છે.

બંને દેશોએ જાહેરાત કરી હતી કે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને ઉઝબેકિસ્તાનના નેશનલ ઇન્ટરબેન્ક પ્રોસેસિંગ સેન્ટર JSC વચ્ચે કોમર્શિયલ કરાર થયો છે. તેના દ્વારા ભારતમાં ઉપયોગમાં લેવાતી UPI એપ્સ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય QR કોડ UZQRને સ્કેન કરીને વેપારીઓને ચુકવણી કરી શકશે.

દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન પોતાના પ્રારંભિક સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની 15મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. મને આનંદ છે કે આ ખાસ પ્રસંગે અમે અમારા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છીએ. આ માળખા હેઠળ અમે નક્કર લક્ષ્‍યો નક્કી કરીને આગળ વધીશું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પ્રેસિડન્ટ સાથે ડિનર દરમિયાન અમારી ઉપયોગી ચર્ચા થઈ અને અમે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં હતાં. બંને દેશોના વિદેશ મંત્રીઓના સ્તરે એક કોર્ડિનેશન કાઉન્સિલની સ્થાપના કરાશે. બંને દેશોના વેપારી નેતાઓની ભાગીદારી સાથે બિઝનેસ સમિટનું સંયુક્ત આયોજન પણ કરાશે. અમે યુરેનિયમના પુરવઠા માટે લાંબા ગાળાની વ્યવસ્થા પણ સ્થાપિત કરીશું.

બંને દેશો અણુ ઊર્જા, ક્રિટિકલ મિનરલ ક્ષેત્રમાં સહયોગ કરશે
બંને દેશોના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે વડાપ્રધાન મોદી અને પ્રેસિડન્ટ મિર્ઝિયોયેવે ભૂસ્તરશાસ્ત્ર, ખાણકામ, પરમાણુ ઊર્જા, ઔદ્યોગિક સહયોગ તથા મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજોના ક્ષેત્રમાં સહયોગની શક્યતાઓ શોધવા સંમતિ આપી છે. તેમાં ખનીજ સંસાધનોની પ્રક્રિયા, મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન અને રિસાયક્લિંગ સંબંધિત પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. બંને નેતાઓએ ઉઝબેકિસ્તાનમાં રહેલા સંભવિત ખનીજ ભંડારોના વિકાસમાં ભારતીય કંપનીઓની ભાગીદારી અને ભારતમાં સંયુક્ત સહયોગ માટે ઉઝબેક કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં રસ દર્શાવ્યો છે. બંને નેતાઓએ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સહયોગ વધારવામાં પણ રસ વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે ઉઝબેકિસ્તાનમાં 'ઓલી દારાજાલી દોસ્તલિક' ઓર્ડરથી નવાજવામાં આવ્યા હતાં, જે ઉઝબેકિસ્તાનમાં વિદેશી નેતાઓને અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે. મોદીએ આ સન્માનને ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના અતૂટ સંબંધોને સમર્પિત કર્યું હતું. ઉઝબેકિસ્તાનના પ્રેસિડન્ટ શાવકત મિર્ઝિયોયેવે મોદીને આ સન્માન એનાયત કર્યું હતું. બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મોદીના યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

ચીનના વડા જિનપિંગ કિર્ગિઝસ્તાન પહોંચ્યા
બેઇજિંગઃ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ રવિવારે કિર્ગિઝસ્તાન પહોંચ્યાં હતાં. તેઓ 26મી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સભ્ય દેશોના અન્ય નેતાઓ પણ હાજરી આપશે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ સમિટની દરમિયાન શી જિનપિંગ અન્ય કેટલાંક SCO નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે. SCOના સભ્ય દેશોમાં રશિયા, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, બેલારુસ અને ચીનનો સમાવેશ થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay